કહે છે કે, દલિત કવિ શંકર પેન્ટરે બીજું કંઈ ન લખ્યું હોત અને એકલી આ કવિતા લખી હોત તો ય એમની દલિત કવિ તરીકેની ઓળખ માટે તે પર્યાપ્ત થાત, એટલી એ સક્ષમ અને નક્કર છે.
દલિત કવિતાઓ અનેકો દ્વારા લખાઈ, વંચાઈને ભૂલાઈ પણ ગઈ, કિન્તુ ‘ચ્યમ્ લ્યા’ આટલું ફાટ્ટી જયું સ્’ પંક્તિ કાને પડે ને બીજી જ ક્ષણે એના રચયિતા શંકર પેન્ટર પણ તમારા દિલોદિમાગનો કબજો લઈ લે છે ! એમાંય સાક્ષાત શંકર જયારે એમના બુલંદ કંઠે મેહાંણાની ગામઠી બોલીની લઢણમાં આ આગ વેરતી કવિતા ગાય છે અને દલિતોના આતતાયીઓને ખુલ્લા પાડે છે ત્યારે શંકરની કવિતા પણ તાંડવનૃત્ય કરતી ભળાય છે !
૧૯૮૪માં પ્રકાશિત થયેલ દલિત કવિ શંકર પેન્ટરના ‘બૂંગિયો વાગે’ની આ એક કવિતાએ જ નહિ, એમાંની અનેક કવિતાઓએ અબાલવૃદ્ધ સૌના હૈયામાં ચિરસ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ ૧૯૮૯માં સંવર્ધીત કાવ્યસંગ્રહ ‘દાત્તેડાના દેવતા’ પ્રગટ થયો. ઝુંઝારુ દલિત કવિ રાજુ સોલંકીએ પણ શંકર પેન્ટરને ક્રાંતિકારી સલામ કરતા – ‘દાતેડાના દેવતા’ને આવકારતાં ત્યારે લખ્યું હતું કે ‘શંકર માત્ર કવિતા લખીને બેસી રહ્યા નથી. જનસમુદાયનો ભીતરી આક્રોશ એમની કાવ્યધારામાં ઘુંટાયો છે અને એને શતગુણિત બનાવતા હોય એમ લોકોેએ પુનઃ પુનઃ ઝીલ્યો છે. શંકરે ઈતિહાસ લખવાની કારકૂની કરી નથી, પરંતુ ઈતિહાસ ઘડવાની ગુસ્તાખી જરૂર કરી છે.’
ઉત્તર ગુજરાતની તળપદી ભાષા એના સઘળા લ્હેકા સાથે, લય સાથે —– કવિતામાં વણાઈ ગઈ છે. જે તાતા તીર જેવી જબાનમાં કવિ પેશ કરે છે, એમ જણાવી ‘દાતેડાના દેવતા’નું સ્વાગત કરતાં જિતેન્દ્ર અ. દવેએ પણ ત્યારે કહ્યું કે ઃ “‘દાતે’ડાના દેવતા’ના આ સલીસજળ કોકને તીખાં તમતમતાં લાગશે, કારણકે ભાઈ શંકર પેન્ટરની કસાયેલી કલમમાંથી પ્રગટતાં કાવ્યો લોહીના લયમાંથી જન્મે છે. આજે જે સ્થિતિમાંથી દલિત સમાજ ગુજરી રહ્યો છે અને જે સંઘર્ષનો સામનો કરી રહ્યો છે તેનું વાસ્તવિક, યથાતથ ચિત્ર શંકરભાઈના ‘બૂંગિયો વાગે’ અને ‘દાતે’ડાના દેવતા’ની કવિતામાં પ્રત્યક્ષ થાય છે. આ કાવ્યોમાંથી શબ્દના જે અંગારા ઝબૂકે છે તે કેટલાકને દઝાડે, પણ મને તો એ સ્ફુલ્લિંગ સમા શબ્દો, અગ્નિથી શુદ્ધ અને પવિત્ર બની આવતા જણાય છે. માટે જ મહેનતકશ આ પ્રજાનું દૈવત મને એમાં જણાય છે. શ્રી શંકર પેન્ટરની કવિતાને હું આવકારું છું. સહર્ષ વધાવું છું એટલું જ નહિ તેને વંદન કરું છું. ‘ચ્યમ લ્યા આટલું ફાટી જયું સ્ ?’ કે ‘કાળીયો ઢોલી’ જેવી કવિતા શ્રી શંકરભાઈના બુલંદ કંઠે સંભળાય ત્યારે આપણા રોમે રોમ ખડાં થઈ જાય છે અને કહેવાતી ભદ્ર જ્ઞાતિની મનોદશા સમજાય છે. જે પ્રજાને અડધું વાટલું ડૂવો ઘેંશનો, ચોથિયું રોટલો કે ડુંગળીનો દડો જ – એક ટંક ડોઝું ભરવા મળે છે, એ પ્રજા સમક્ષ ભગવાનની વાત કેમ થાય ? એ સમાજના દુઃખોને વાચા આપતો કવિ દાતે’ડાના દેવતાના અંગારા પ્રગટાવે તે સહજ છે.”
મહેસાણા (હવે પાટણ) જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામે તા. ૧૭/૧૧/૧૯૪૬માં જન્મેલા અને વણવાનું અને ખેતમજૂરીનું કામ કરતા પિતા ભગત સવાભાઈ પરમાર અને પાંચ ધોરણ પાસ માતા પનીબેન પરમારના પ્રથમ સંતાન શંકરભાઈ સવાભાઈ પરમાર ઉર્ફે શંકર પેન્ટરે જીવનના આજે ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
૧૯૪૭ના અરસામાં માતાપિતા પટેલ મીલમાં કામ કરવા આવતા. શંકરભાઈને પણ અમદાવાદ આવવાનું થયું. અહીં રાજપુર-ગોમતીપુરની મ્યુનિ. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવી, સરસપુરની સરસ્વતી વિદ્યાલયમાં શંકરભાઈ ઓલ્ડ એસ.એસ.સી. સુધી ભણ્યા તે પછી સરસપુર કલાભવનમાં પેન્ટીંગનો ડિપ્લોમા કોર્સ કર્યો. આજે તેઓ ભારત સરકારની એક વિરાટ સંસ્થાર્ ં.દ્ગ.ય્.ઝ.માં એક્ઝીક્યુટીવ એન્જિનીયરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે.
જો પિતા અમદાવાદ ન આવ્યા હોત તો પોતે કશું જ બન્યા ન હોત એવો એકરાર કરતાં શંકરભાઈ કહે છે “જો મારા બાપુજી સવજીભાઈ મૂળજીભાઈ ભગતહાથ વણાટની શાળનો કાંઠલો છોડી અમદાવાદમાં મીલના લોઢા હારે બાથું ભીડવા ગામડેથી ના આવ્યા હોત તો, આજ પણ આ શંકર પેન્ટર માલેતુજાર મુમનોના છાણમૂતરમાં તરબતર ઢોરાંના ગંધાતા પૂછડાં આંબળતા આંબળતા માથે ફાટેલું ફાળિયું, થીંગડાવાળું થેપાડું ને હાથમાં વણછોલ્યા લાકડાનું ધોકલું ઝાલી વરસીલાના વગડામાં દલિત કવિતાઓની જગ્યાએ ભારેખમ ઘોઘરા અવાજે ભજનોના ભેંકડા તાંણતો હોત!”
એકલા શંકરભાઈના જ નહિ, દલિત કવિતાના ય ભાગ્ય સારા કે જનજન સુધી પહોંચવા તેનેય તેના શંકર મળ્યા ! અનેક કવિતાઓની જેમ ‘કાળીયો ઢોલી’ પણ ઘર ઘર પહોંચ્યો, દલિત જાગૃતિની અહાલેક જગાવતા આંદોલનની જેમ. ‘કાળીયો ઢોલી’માં શંકરભાઈએ ગાયું:
ઢોલ ઓશીકે, વડલા હેઠળ ઊંઘતો ઓલ્યો કાળીયો ઢોલી
લોકશાહીમાં રાજકર્તાઓને ચૂંટવાવાળો કાળીયો ઢોલી
સોળ શણગારે સજજ ગોરીઓ, ચીંથરેહાલ ઓલ્યો કાળીયો ઢોલી
ગરબે ઘૂમે ગોરીઓ ત્યારે ઢોલ વગાડે કાળીયો ઢોલી
એઠું જુઠું વાળું માંગી પેટડું ભરતો કાળીયો ઢોલી
ગાળ તુંકારા તોછડાઈથી ટેવાઈ ગયેલો કાળીયો ઢોલી
મહેનતાણા વિના રાત ને દા’ડો વેઠ કરે ઓલ્યો કાળીયો ઢોલી
માટીગારાને ઘાસપુળાની ઝૂંપડીવાળો કાળીયો ઢોલી
ધારદાર કલમ અને વળી બુલંદ કંઠના સથવારા સાથેના શંકર એટલે જાણે દલિત સમાજના મેઘાણી ! શંકરભાઈએ મેઘાણીની જેમ જ કલમ અને કંઠના માધ્યમથી લોક (દલિત) જાગૃતિનું યજ્ઞકાર્ય કર્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સરકારી નોકરીના ૪૨ વર્ષોમાં કર્મચારી એસો.ના ફેડરેશનના દિલ્હી સુધીના હોદ્દા પર સેવા આપી ચૂકેલા શંકર પેન્ટર શ્રી જી.બી.પરમારના સહયોગથી ઓ.એન.જી.સી.ના એસ.સી./એસ.ટી. કોમ્પોનન્ટ પ્લાનમાંથી દલિત જનજાગૃતિ ચળવળ માટે બિરાદર શ્રી રાજુ સોલંકીના ડાયરેક્શનમાં ગુજરાતમાં અનેક સ્થળોએ નાટ્યયાત્રાઓ કરાવી ચૂક્યા છે તથા ભીમ ડાયરાઓ યોજી જે કામ ગુજરાત સરકારે હવે કર્યું છે તે પંદર વર્ષ પહેલાં પાગલબાબાના પુરા પરિવારને મહેસાણા દૂધસાગર ડેરી હોલમાં પોંખી શક્યા છે, સન્માની શક્યા છે.
‘દસ્તક’ના સંપાદક શ્રી કાન્તિલાલ ‘કાતિલ’ પણ કહે છે ઃ ‘‘દલિત વર્ગોના શોષણ-દમન-પીડા-વિદ્રોહ-સંઘર્ષ-આકાંક્ષાઓની અભિવ્યક્તિ કાવ્યગીતોમાં ઢાળીને લોકોની વચ્ચે બુલંદ કંઠે, વિદ્રોહી સૂરે આંધ્રના સુપ્રસિદ્ધ ગરીબોેના ગાયક ગદ્દરની જેમ દલિતો વચ્ચે શંકર પેન્ટરે દલિત કવિતાઓ ગાઈ છે.’’
ગાઈને તો ઠીક વાંચીને પણ પોતાની જ કવિતાને અસરકારક રીતે રજૂ નહિ કરી શકતા કેટલાંક વાંકદેખા દલિત કવિઓ ક્યારેક શંકર પેન્ટર માટે ‘‘એ તો ભજનો ને હેલા ગાય છે. સાચી કવિતા તો આ અમારી પાસે છે’’ કહી શંકરસ્તુતિ કરતા હોય છે ! કિન્તુ કવિ સંમેલનોમાં જયારે તેઓ દાદ્ કે તાળીઓ ઉઘરાવી નથી શકતા ને શંકરને ‘વન્સમોર’ મળે જાય છે, ત્યારે જ તેઓને પોતાના સ્થાનની ખબર પડે છે ! (‘બૂંગિયો વાગે’ની તીવ્ર આક્રોશભરી કવિતાઓ વાંચી એ આખો કાવ્યસંગ્રહનો નાશ કરવાનું લેખિત ફરમાન એક અગ્રણી ગુજરાતી દલિત સાહિત્યકારે કરેલું. એનો ભારે દુઃખ અને વ્યથા સાથે શંકર પેન્ટરે આ લખનારને ઉલ્લેખ કર્યો તે જો અહીં વિગતે વર્ણવીએ તો ભડકો થાય તેમ હોઈ એ વિશે હું કંઈ નહી લખું એમ મેં શંકરભાઈને કહ્યું.)
પોતે લખેલી કવિતા શંકરભાઈ સૌ પહેલાં પોતાના માતા-પિતાને સંભળાવતા રહ્યા છે. ઈન્દિરા ગાંધી જેવી મક્કમતા અને મજબૂત મનોબળ તથા પ્રખર યાદશક્તિ ધરાવતા માતા પનીબેન પાસે મેંહાણા (મહેસાણા)ની તળપદી લોકબોલીનો ખજાનો હતો. તળપદી લોકબોલીમાં લખાયેલી પોતાની તમામ દલિત કવિતાઓનું શ્રેય શંકરભાઈ માતા-પિતાને ફાળે હોવાનું જણાવે છે.
આઝાદી પૂર્વે છેક ૧૯૪૨માં જેમણે ડાૅ. બાબાસાહેબ આંબેડકર વિશે ભજનો રચ્યા હતા. એવા સિંધ નિવાસી અને પછી ઢીમા આશ્રમ (બનાસકાંઠા) ખાતે સ્થાયી થયેલા દિવંગત વૈદ્યરાજ સ્વામી શ્રી લક્ષાનંદજી, દલિત કવિ શંકર પેન્ટરના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. ખુદ શંકરભાઈ કહે છે ઃ ‘ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવેલા અમારા કુટુંબના આધ્યાત્મિક સતગુરૂ, ઢીમા ધરણીધર નિવાસી, ભીમ ભેખધારી, જાગૃત દલિત સંત વૈધરાજ સ્વામીશ્રી લક્ષાનંદજી દ્વારા, ૧૯૪૨માં રચિત ‘બી.આર. સંગીત સુમન’ ભીમભજનો ‘ઉઠો દલિત વીરો, આઝાદ કોમ કરેંગે / લાખ પડે મુસીબત, ઉનસે ન હમ ડરેંગે.’, ‘દશ કરોડ દલિત હમ મીલકર ઝંડા ઉઠાયેંગે.’, ‘મૈના બાબા કે ગુન બોલ’ વગેરે ગીતો, શાળાએથી ઘેર આવી, મારા જેવા નાના સમોવડીયાની ટોળકી બનાવી હું બુલંદ અવાજે ગાતો અને ગવડાવતો. હોળી-ધૂળેટીમાં ધેરૈયા બની અમે ભીમ-ગીતોના રાસડા રમતા !’’
આપણે બાથરૂમના એકાંતમાં પણ ગાઈ નથી શકતાં ત્યાં શંકરભાઈએ તો બાળપણથી જ ગાવાનું શીખી લીધું હતું ! શ્રી લક્ષાનંદજીના ભજન-સત્સંગ સમારંભોમાં ત્યારે ચાણસ્મા નિવાસી સ્વ. ઈશ્વરભાઈ બારોટ (સ્વ. ધર્મબંધુ પાગલબાબા) પણ તેમની તરુણ અવસ્થામાં, પોતાની અપ્રકાશિત ભીમરચનાઓ આવતા. જેને સાંભળવાનો અને તેમાંથી પ્રેરિત થવાનો અવસર પણ શંકરભાઈને મળ્યો. બીજા મિલમઝદૂર બિરાદર સ્વ. દાનાભાઈ ભાંખરીયા પાસેથી આર્યોના આગમન પહેલાંનો ઈતિહાસ ‘વોલ્ગાસે ગંગા’ ધર્માનંદ કૌસંબી અને રાહુલ સાંકૃત્યનના વિદ્વતાસભર ગ્રંથોને વાંચ્યા. પ્રાથમિક શાળાઓમાં વકૃત્વ અને નાટ્ય સ્પર્ધાઓમાં ભાગ લેતાં શંકર રાજપુરની ચાલી વટાવી એલિસબિ્રજ ટાઉન હોલ સુધી પહોંચ્યા. જયાં પ્રાથમિક શાળાઓના નાટ્ય મહોત્સવમાં તેમણે રંભાબેન ગાંધીનું નાટક ‘જૂની આંખે નવા તમાશા’ ભજવ્યું હતું. ત્યારે તેઓ સાતમા ધોરણમાં હતા. અહીં પહોંચ્યા પછી કલાપી, કાન્ત, ક.મા.મુનશી, ધૂમકેતુ, મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગુણવંતરાય આચાર્ય અને રજનીશના સાહિત્યની સમીપ પણ તેઓ પહોંચ્યા.
૧૯૭૪માંર્ ંદ્ગય્ઝ મહેસાણા ખાતે નોકરી બદલાતાં શહેરી જીવન છોડી ધીણોજના દલિત વાસમાં નળીયા અને માટીના ભેતડાવાળા માસિક ૨ રૂપિયાના ભાડાવાળા મકાનમાં શંકર પેન્ટર પરિવાર સાથે રહેવા ગયા. ધીણોજ આવવા પાછળ શંકરભાઈનો મક્સદ ગામડાઓમાં વસતા ભાન્ડુઓની વેદનાના સીસકારાને જાતે અનુભવવાનો હતો. શંકરભાઈ કહે છે ઃ ‘‘આ વિસ્તારના વર્ષોથી એક દલિત સાંસદશ્રીના વતનના ગામમાં દલિતોને અલગ ‘ચા’ના ચપણીયામાં ‘ચા’ પીવી પડતી અને ખુદ ગાંધીવાદી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના માનીતા એ મેમ્બર ઓફ પાર્લામેન્ટને ગજવામાં ગ્લાસ રાખવો પડતો ! દાઢી – વાળ કપાવવા તેમને ૧૩ કીમી દૂર મેંહાણા આવવું પડતું અને કાં તો દલિત વતાગરા પાસે દાઢી છોલાવવી પડતી !’’
શંકરભાઈ કહે છે ‘ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જયુ સ્’ અને ‘તોડ ચપણીયા’ ગીતોનું સર્જન આ વાતાવરણે જ કર્યું. શહેરની પેન્થર ચળવળથી રંગાયેલા આ દલિત દિપડાને તળ ગામડાના વિધ વિધ અનુભવોે થયા. પીંગળ ભણી ભજન, છંદ દોહા રચનારા ‘દલિત કાગ કવિ’નો સૂર પલટાયો. ’૮૧ અને ’૮૫ના કારમા હુલ્લડોની આઘાતથી શંકરભાઈનો માંહ્યેલો ‘દલિત મેઘાણી’ —- અને ભજનનો તંબૂરો પછાડી દઈ તેણે દલિત કવિતાની વાટ લીધી.
તોડ ચપણિયા ‘ચા’ના ભઈલાં, હાથ હવે ના જોડ
માંગે ભીખ ના હક્ક મળે, ઈતિહાસ હવે મરોડ
થુવેરીયા કે ઝાડ બખોલે ફૂટી રકાબી લટકે
ગામે ગામે હાલત સરખી આગ ભીતરમાં ભડકે
ભીતરમાં ભભૂકતા જવાળામુખીએ ‘ક્રાંતિનો નાદ’ કરતા શંકર પેન્ટરે ગાયું…
મળી સળીઓની નાત, બની ઝાડુની જાત, રાખી કાયમ પછાત
હવે રહેશે નહીં, કદી રહેશે નહીં
ઘેર ઘેર ભીમવાદ, સૂણી નરનારી સાદ, કરશે ક્રાંતિનો નાદ
હવે રહેશે નહીં, કદી રહેશે નહીં
શહેર છોડી ગામડામાં આવેલા કવિ શંકરનો કાવ્યાક્રોશ, પેલા ગામડિયા પણ દલિતસૂગથી તરબતર એવા દલિત અત્યાચારીઓને બરાબર સમજાય અને તેને સોંસરો વીધી નાંખે એ રીતે, એની જ ભાષામાં રજૂ થયો. આમ…
બસ તે પછી તો ‘બકવા તારો બંધ કરી દે’, ‘હવે ગુમાવવાનું તારે શું છે ?’, ‘બેસી ના રહેવાય’, ‘ગામડે મારા આવજે રે, વીરા મારા કલમવાળા’, ‘સવારે ઝાડુ-સાંજે વાળુ’, ‘હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સહેવાય’, ‘બતરી લખણો, મર્યો નહીં, મૂડીદાર આ મિલનો માૅંટી’, ‘આજ આંગણીયામાં’, ‘બૂંગિયો વાગે’, ‘કલમ ઝૂંટવી લ્યો’ જેવી દલિત કવિતાઓ – ગીતોની વણઝાર જાણે નીકળી આવી.
શંકર પેન્ટરે માત્ર દલિત કવિતાઓ લખીને સંતોષ ના માન્યો. ઘર છોડીને, નોકરીમાંથી રજાઓ મૂકીને દૂર દૂરના ગામડે, દલિતોના કસ્બાઓ, શેરીએ શેરીએ, ચાલીએ ચાલીએ,મહેતરોની ઝૂંપડપટ્ટીઓના ખૂણે ખૂણે, લાલ મિશ્રિત વાદળી દલિત ચેતનાની જાંબુડી જવાલા પ્રગટાવવા ખભે થેલો ભરાવી નીકળી પડ્યા. જેને રાજુ સોલંકી, જી.બી. પરમાર, અશ્વિન દેસાઈ, સાહિલ પરમાર, હરીશ મંગલમ્, કર્દમભટ્ટ, જયંતિ ચૌહાણ, જયંતિ બારોટ, ડાૅ. ભરત વાઘેલા, નગીન ડોડીયા, રમેશ ઝાલા, હિતેન્દ્ર હિતકર, કાન્તિ ‘કાતિલ’ , સિધ્ધપુરના એડવોકેટ રમેશભાઈનો સથવારો સાંપડ્યો. ગુજરાતી દલિત સાહિત્ય સંઘ (૧૯૮૫ પહેલાનું), માસ મુવમેન્ટ, જાતિ નિર્મૂલન સંકલન સમિતિ અને બામસેફના કર્મશીલ મિત્રો તેમાં સહભાગી બન્યા. સાહિલ-શંકર-કર્દમની ત્રિપુટી તેમના બુલંદ કંઠે હવે ગામડે ગામડે લોકોના ભીતરની વાત હૈયા સોંસરવી ઉતરે તેમ દલિત કવિતા દ્વારા રજૂ કરવા લાગી. તેમની સાથે ‘બામણવાદની બારાખડી’ શેરીનાટક ભજવતા કનુ સુમરા, નવનીત રાઠોડ, મનહર મકવાણા, ભરત વાઘેલા, ધનસુખ કંથારીયા, જેવા યુવાનોનો ઉત્સાહ ભળ્યો હતો.
પોતાની કવિતા દલિતોના હૃદય સુધી પહોંચી તેનો સંતોષ વ્યક્ત કરતાં શંકરભાઈ પણ કહે છે કે ઃ ‘લોકોએ મારી કવિતાને અદકેરા ઉમંગથી વધાવી ને જાણે મારા જીવનનો મકસદ પૂરો થયો. ભલે અમારી આ લોકબોલીના તળપદા ગીતો – કવિતાઓ બિનદલિત ભારેખમ વિવેચકોની સાથરી (મરેલા ઢોરના પોસ્ટમોર્ટમની જગ્યા) વચ્ચે ચૂંથાતી ન હોય ! પરંતુ અદના માનવીના હૃદયગોખમાં આજે પણ તે ગુંજી રહી છે, તેનો મને અપાર સંતોષ છે.’
‘શંકર પેન્ટર’ એમના નામ મુજબ ખરેખર જ પેઈન્ટર-ચિત્રકાર છે. એમના ઘરમાં ડાૅ. બાબાસાહેબના ચિત્ર સહિત પ્રકૃતિના અનેકવિધ નયનરમ્ય દૃશ્યો પેઈન્ટરની પીંછીના લસરકે સર્જાયા છે.
૧૯૮૪ના અરસામાં સયાજી આશ્રમ વિસનગર ખાતે દલિત કવિ સંમેલન યોજાયેલું ત્યારે શંકરભાઈ કવિ તરીકે નહિં પણ પેઈન્ટર તરીકે આ આશ્રમનું રંગકામ કરવા આવ્યા હતા. કવિ સંમેલન શરૂ થાય તે પહેલાં પોતાની બે રચનાઓ ‘પ્રેમપુજારી’ તખલ્લુસ નામે કવિએ કોઈના દ્વારા મંચ પર પહોંચતી કરી દીધી. કવિ સંમેલન શરૂ થયું અને હાથોહાથ શંકરની કવિતા સૌ દલિત કવિઓએ વાંચી. એ બધા એ કવિતાથી એટલા પ્રભાવિત થયા કે, એના કવિને મંચ પર ઉપસ્થિત થવા જાહેરાત કરવામાં આવી. એ જાહેરાત થઈ ત્યારે સયાજી આશ્રમની ઉંચી કમાન પર ચઢી ‘શંકર પેન્ટર’ રંગનું ડબલું અને કૂચડો લઈ તેને રંગ કરી રહ્યા હતા ! દલિત કવિ તરીકેની જાહેર સ્વીકૃતિ બસ ત્યારથી જ.
બસ પછી તો સમગ્ર ગુજરાતમાં કોઈ એક જ કવિની સંપૂર્ણ રચનાઓ સાથેનો પૂર્ણ દલિત કાવ્યસંગ્રહ સૌ પ્રથમ બહાર આવ્યો હોય તો તે શંકર પેન્ટરનો ‘બૂંગિયો વાગે’, જે હરીશ મંગલમ્ના સંપાદન તળે પ્રકાશિત થયો. ૧૪ એપ્રિલ ૧૯૮૪ના રોજ સારંગપુર – અમદાવાદ ખાતેની ડાૅ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, શ્રી મનિષી જાનીના હસ્તે અને ખ્યાતિપ્રાપ્ત દલિત સાહિત્યકાર શ્રી જોસેફ મેકવાનના પ્રમુખ સ્થાને ખુલ્લા મંચમાં તેનું વિમોચન થયું.
પાંચ વર્ષ સુધી ‘વોઈસ ઓફ ધ વીક’ના તંત્રીપદને શોભાવનારા, ક્યાંય પણ દલિત અત્યાચાર થાય તો ત્યાં એક ચળવળકાર તરીકે પહોંચીને, હજારોની લોકમેદની વચ્ચે પોતાની કવિતાને બુલંદ કંઠે પહોંચાડી, દલિત અસ્મિતાને જગાડનારા દલિત કવિ શંકર પેન્ટર ઘણા વખતથી ભીતરના લહિયાને દબાવી દઈને, લખવાનું બંધ કરી દીધું છે, એ ગુજરાતી દલિત સાહિત્યની કમનસીબી છે. ખરેખર તો શંકર પેન્ટર જેવા કવિને નોરાં કરીને – અછોવાનાં કરીને, સમગ્ર ગુજરાતી દલિત સાહિત્યના હિતમાં પુનઃ લખતા કરવાની જવાબદારી પણ ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણીઓની જ છે. નહિતર ‘‘દલિત સાહિત્યના ઈજારદારો’’ માટે શંકરે તો ગાયું જ છે…
તકવાદી ઓ જકવાદી, તમે કલમગ્રહી લ્યા તકલાદી ;
સૂંઠ ગાંગડે બનવા ગાંધી ! તમે ચાલી નીકળ્યા ચળવાદી.
વર્ણ-વર્ગના હિમાયતીની, લળી લળી ર્કૂિનશ બજાવે,
ધીક્ ધીક્ મહા ધીક્ મૂરખ એવા, દલિત માતની કૂખ લજાવે !
બહુરૂપિયા કાચીંડા જેવા, પલપલમાં પલટી માટે ;
સત્વહીણ સિધ્ધાંત વિહોણા ! શબ્દોમાં આંસુ સારે.
કારકૂનો ઓ સ્હાય લાલચું, દલિત – લલિત ચ્હેરાંવાળા !
બીકણ ભીરૂં થરથરતા, તમો બિરાદર થઈ કરો ચાળા !
કલમ ઘસીયા ટિકીટ રસિયા લાળપાડું ગરજું કુતરાં
ગામ ગલીમાં ભસતા ભારે પાગલ થઈને એ પુત્તરાં
શંકર પેન્ટરને નજીકથી જાણનારા દલિત કવિ શ્રી સાહિલ પરમાર પણ લખે છે ઃ ‘‘વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસને રમાડતા કવિ શંકર પેન્ટર પહાડી ગળાના માલિક છે. અમદાવાદની ચાલીઓ અને દૂરના ગામોમાં ફરીને એમણે ગરીબોનાં ગીત બુલંદ અવાજે લલકાર્યા છે. હાલ ગળું એટલું કામ નથી આપતું પણ એમની કલમ ગીતના લયને તાલબદ્ધ લહેરાવી જાણે છે.’’
શંકરભાઈનો કંઠ ભલે હવે બુલંદ ન રહ્યો હોય, કિન્તુ તેમની કસાયેલી કલમ ફરી એકવાર દલિત ગીતો આપે તેવી આ સ્થળેથી શંકરને વિનંતી.
નટુભાઈ પરમાર
‘સમાજમિત્ર’માસિકના સૌજન્યથી
No comments:
Post a Comment