Sunday, March 29, 2015

સાંબરડાનું સાંબેલું

સાંબરડાનું સાંબેલું ;
દિલ્હીમાં જઈને ડોલે ;
ખોલે ખોલે ખોલે એના,
પોલ જંબુરીયો ખોલે !
બેંતાળીસમો ઝંડો ફરકે,
મુકેશ ભાણો મુછમાં મરકે ;
ખુલ્લા માથે દલિતડું તરફડે,
લોહી નીગળતુંય બાપુ બરકે !
સામંતવાદી જાગીરી વળતર,
ગોચરને સરકારી પડતર ;
માંગણનું માલિકી ગણતર,
ખરાબાની જમીન હડપ કર !
દલિત મશાણ મોટું નડતર,
ગળચે ગઢવી ખેડવા ખેતર ;
દલિત નારીની હાલત બદતર,
મળ ત્યાગતા પડતા પાણા પત્થર !
કોંડાની જાનમાં ઢોલ વાગે તો,
“ઈન્શર્ટ”માં સામું આવે તો ;
બટન બુશર્ટનું ના વાખે તો,
આંખો પર ગોગલ્સ રાખે તો !
કપડાં ફાડી ચશ્મા તોડે,
ટાંગા ને માથા પણ ફોડે ;
ધડ ધડ ધડ ધડ ગોળી છોડે,
ટેલીફોનથી દિલ્લી જોડે !
દારૂ પી દેકારો ગજવે,
બ્હેન દીકરીને ભૂંડી પજવે ;
ચેન ચાળાથી લોક ને લજવે,
ટોળાં થઈ ગરીબોને ધ્રુજવે !
કરતાં હિજરત સહુ વણકર,
દઈ દયો પંચાયતને પાવર !
જયાં હોય જુલ્મી જોરાવર,
દઈ દયો પંચાયતને પાવર !

નોંધ ઃ-
સાંબરડા (બનાસકાંઠા)ના દલિત ભાઈઓની હિજરત વેળા પાલનપુર મુકામે ‘પાવર ટુ પીપલ’ શ્રી ભેરવદાન ગઢવી કેન્દ્રીય મંત્રીશ્રી ભારત સરકારને અર્પણ.

રચનાકાળ ઃ ૧૯૮૯

No comments:

Post a Comment