Saturday, March 28, 2015

ક્યાં સુધી સ્હેવાય ?


હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સ્હેવાય ?
ક્રાંતિ કૂચના તાલમાં બેસીના રહેવાય !
ગામેગામ ખેતરોમાં, ‘દાત્તેડાના દેવતા’ ;
ટાઢ તાપ વર્ષા માંહી, ‘શ્રમયોગ’ સેવતા.
માંગે મજૂરી તો સામે લાઠીઓ વીંઝાય
હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સ્હેવાય ?
નવ જવાન…! અય જવાન …!

રોટલાના ટુકડા વિણ ટળવળે છે બાળ,
ભરશે તેનું પેટડું શું શોષકોની ગાળ !
જાગ ઓ કરાલ કાળ આ તે શું કહેવાય ?
હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સ્હેવાય ?
નવ જવાન…! અય જવાન …!

ઉંચનીચ વાડાબંધી ધર્મના ધતીંગમાં,
અફીણ બેહોશીનું આ ફસ્યા બધા એ ડીંગમાં !
માંહી માંહી લઢી વઢી એક ના થવાય !
હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સ્હેવાય ?
નવ જવાન…! અય જવાન …!

જાગો જાગો જાગો મહેનત વીરો તમામ,
જુલ્મી શૈતાનોની નીંદ કરી દો હરામ.
ગગન ગજવી ‘ક્રાંતિ’ કેરૂં ગીત છો ગવાય !
હાલ આ બેહાલ હવે ક્યાં સુધી સ્હેવાય ?
નવ જવાન…! અય જવાન …!

રચનાકાળ ઃ ૧૯૭૦

No comments:

Post a Comment