Saturday, March 28, 2015

“કોણ કરે કમજોર દેશને”

“કોણ કરે કમજોર દેશને”
કોણ કરાવે દંગો અહીંયા ?
રામશિલાના રોડા લઈને ?
કોણ ઓકતું આગ અચાનક ?
બાબરી મસ્જિદ બ્હાનું લઈને ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

કોણ કાકડા સળગાવીને,
પરભુને પકડાવી દેતું?
કોણ છૂરાની તેજ ધારને,
હબીબના હાથોમાં દેતું ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

કોણ વેચતું ત્રિશૂળ ધારીયા,
મારફાડ મોહનને દેવા ?
કોણ બઝાડે બલ્બ એસીડના,
અહેમદને અજમાવી જોવા ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !
કોણ આંગળી ટ્રીગર દાબતી,
પણ આંખોથી ઓઝલ રહેતી ?
અન્ય ખભાએ ફૂટતી બંદુક,
લોહી ફુવારે છોળો ઉડતી !
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

કોણ કરતું બંધ દરવાજા,
મંદિરમાં માણસના માટે ?
કોણ ઢાળતું લાશ દલિતની,
સુંવાળી રાજગાદી માટે !
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

કોણ જલાવે ઝુંપડપટ્ટીઓ,
પંચ તારક હોટલો કરવા ?
કોણ ઝીંકતુ ભાવવધારો,
સંતાડી દઈ માલ વખારે ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

દેશભક્તિનો ડોળ રચીને,
કોણ પાડતું પોકારો ?
કોણ ગજવતું ગળું ફાડીને,
ખોટમ્ ખોટ્ટા જય જયકારો ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

કોણ આપતું રાજદ્વારીને,
કાળા ધનના ઢગલે ઢગલા ?
કોણ ચીપતું ચુંટણીપત્તા,
યાત્રાઓનાં નાટક લઈને ?
કોણ કરે કમજોર દેશને,
આપસમાં અથડાવી દઈને !

રચનાકાળ :૧૯૯૧

સૌજન્ય : વોઈસ ઓફ ધી વીક – ગુજરાતી

No comments:

Post a Comment