સમય ઃ સવારના આઠ-સાડા આઠની વચ્ચે.
સ્થળ ઃ બાબાસાહેબ આંબેડકરનું પૂતળુ, અમદાવાદ.
લોકો આવી રહ્યા છે. દૂર દૂરથી કોઈ બોલે છે, ‘બાબાસાહેબ અમર રહો’ પૂતળા ઉપર ફૂલોના હારના ઢગ ચડતા જાય છે. લોકો સીડી ચડતાંચડતાં સૂત્રો પોકારે છે. અંદર અને બહાર બધે શમિયાણો બંધાઈ ગયો છે. જુદી જુદી સંસ્થાઓનાં પાટીયાં લટકી રહ્યાં છે. ભીડ વધતી જાય છે.
દલિત સાહિત્ય સંઘના પ્રકાશન ‘બૂંગિયા વાગે’ના વિમોચન માટે ચૌદમી એપ્રિલનો દિવસ પસંદ કર્યો હતો. ભીડમાં વિમોચન માટે જગ્યા મળવી મુશ્કેલ. છેવટે, માસ મુવમેન્ટના ટેન્ટ નીચે ‘પેટા ભાડુઆત’ની જેમ ગોઠવાઈ ગયા, એક પહોળા ટેબલ પર ‘બૂંગિયો વાગે’ની સાથે ધી લાલદરવાજા પોએટસ વર્કશોપ લિ. નું ‘તો પછી’, ગુજરાત ખેત વિકાસ પરિષદનું ‘અસ્મિતા’, ‘નર્મદનો જમાનો’ (સં. ડંકેશ ઓઝા), ‘પ્રતિબધ્ધ’, આજનું સાહિત્ય-કેટલાક સવાલો (મહાશ્વેતાદેવી) મુક્તિજંગ, કાળોસૂરજ જેવી સામગ્રી પણ ગોઠવી દીધી. સંઘના મહત્ત્વના પ્રકાશન ‘વિસ્ફોટ’નું વિમોચન પણ ચૌદમીએ જ રાખવાનું હતું. ભલા પ્રેસવાળાએ ત્રણ ફર્મા ગુમ કરી દીધા. એક વરસનો અસહ્ય વિલંબ, નાણાંકીય હોનારત અને લટકામાં….
ખેર, વિમોચનટાણે અચાનક આવી ચડેલા જોસેફભાઈએ એમની તળપદી ભાષામાં પ્રવચન આપ્યું. શંકરની કવિતાઓ એમને ઘણી ગમી ગયેલી. પાછળથી રાજુ સોલંકીને એક પત્રમાં ‘શોધીગોતીને, જતન કરીને આપણે દલિત સાહિત્યનું કંઠાભરણ ગુંથવાનું’ જેવા શબ્દો શંકર વિષે એ વાપરવાના હતા. પુસ્તકનંું વિમોચન કરતી વખતે મનીષી જાનીએ કહ્યું, કે અત્યાર સુધી દલિત સાહિત્યમાં બાપડાપણું છે, બિચારાપણું છે એવી જે છાપ ઊભી થઈ છે એ છાપ શંકરની કવિતાઓ સાંભળતાં દૂર થઈ જાય છે…. માટે, આપણે સૌએ દલિત સાહિત્યનું આંદોલન પૂરા વેગથી અને ઉત્સાહથી આગળ ધપાવવાનું છે.
વિમોચન કરતાં પહેલાં સૌ વર્તુળાકારે પ્રતિમાની આસપાસ બે વખત ફર્યા. આગળ એક ઢોલી બૂંગિયોનો રૂદ્રતાલ વગાડી રહેલો અને પાછળ માંડ તેર-ચૌદ જણા. ઉત્સાહી કર્દમ પ્રલંબ સૂરે બૂંગિયો વાગે… બૂંગિયો વાગે બધા જોડે બોલાવતો હતો. થોડીકવારે શંકરે કવિતા વાંચવાની શરૂ કરી, લોકો એકઠા થયા.
બ્લડ પ્રેશરને લીધે કે ગમે એમ શંકરનું ગળું સાવ ખોખરું થઈ ગયેલું. છત્તાંય બેસુરા અવાજે એમણે ‘ચ્યમ લ્યા આટલું ફાટ્ટી જયુસ’ જેવા ગીતો ઁીર્કિદ્બિ કર્યા. લોકો સાંભળતાવેંત, બસ તલ્લીન થઈ ગયા. વચ્ચે વચ્ચે અમારા જેવા ઉત્સાહી શ્રોતાજનો પણ સૂર પૂરાવતા હતા. એવામાં ગળગળા થઈ ગયેલા (સમતા દૈનિકદળના વાદળી ટોપી વાળા ઘણા જ જુના ભીમ ભેખધારી) છોટાકાકા ક્યાંકથી આવી ચડ્યા. શંકરને ઉમળકાથી ભેટી પડ્યા. શંકરે આદરથી એમને ખુરશી પર બેસાડ્યા.
ગીતો પત્યાને લોકો તરત વિખરાઈ ગયા. એમાંના મોટો ભાગના લોકોએ દિવસ દરમ્યાન ગમે તે સમયે આવીને પુસ્તક ખરીદયું હતું. બપોરે એક આઠેક વરસની બેબી એના પપ્પાની આંગળી પકડીને આવી. ‘ચ્યમ લ્યા આટલું ફાટ્ટી જયુસ’ ગીતવાળું પુસ્તક લેવાની એણે રઢ લીધી હતી. પપ્પાએ પુસ્તક ખરીદયું ત્યારે જ એને જંપ વળ્યો. દિવસ દરમ્યાન જયંતિ ચૌહાણ, દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, સાહિલ પરમાર, વ. મિત્રોએ ઉત્સાહથી પુસ્તકો વેચ્યા. ત્રણસો – ચારસો રૂપિયાનાં પુસ્તકો વેચાયા. કવિતા જેવા જીેહ્વદ્ધીષ્ઠંૈદૃી પદાર્થનીર્ ંહ્વદ્ધીષ્ઠંૈદૃી અસર ‘નાણાકીય બદલારૂપે’ કેવી ફળદાયી હોય છે એનો એક દાખલો પણ મળ્યો. લોકોમાં વાંચન ભૂખ છે જ. એને યોગ્ય પ્રોત્સાહન આપવાની જ જરૂર છે એ પણ સમજાયું.
રાજુ સોલંકી
(કાળોસુરજ અંક ૨/૩, ૧-૭-૧૯૮૪)
વિવેક ભુવન , પટ્ટણી શેરી,
પ્રકાશ સિનેમા પાછળ, અમદાવાદ – ૧
No comments:
Post a Comment