વર્ષો પહેલાં જ બાબાએ કહ્યું’તું....
‘આ ભણેલા લોકોએ જ મને દગો દીધો !’
જેતલપુરના શહિદ શકરાની
ઊની ઊની રાખમાંથી
ભભૂત ચોળી
કેટલાય ‘પ્રધાન’ થઈ ગ્યા ! ઢોંગી સરકારોમાં.
જયારે નિઃસાસા નાંખતા
ઓહૂડા પાડતા
કેટલાય રોડ પર રઝળતાં થઈ ગ્યા ! આંખો ચોળતાં ચોળતાં,
આંબેડકરવાદ માટે
સામાજિક ન્યાય માટે
ભાષણિયા કોમી એખલાસ માટે
મુક્કાઓ, માથાઓ અને ટાંટીયા વિંઝતા વિંઝતા
પાછળથી ફાૅરન-ફંડ ચાટતાય્ થૈ ગ્યા ! એક પાપી પેટ માટે.
જયારે કોક સભાસ્થાનોએ ‘હૂક્કાહૂક્ક’ કરતાં
પાવૈયા જેમ તાબોટા પાડતા
કેન્દ્રીય મિનિસ્ટરના સુંવાળા સપનાઓ માટે
પાર્ટીઓમાં પાક્કા થઈ ગ્યા !
રાવણ સભાએ અંગદના જડબેસલાક ચક્કાજામ પગની જેમ.
તો વળી કોક
ગીરનારમાં વર્ષે એકવાર નીકળતી નાગાબાવાની જમાત જેમ
પરા વિસ્તારોથી સારંગપુર બાબાના બાવલાં સુધી
ભક્તોના આગવા ઝુંડમાં ઘેરાઈ
નગારાયાત્રાવાળી પરિક્રમાઓમાં
કોઈ ગુલાલ તો કોઈ ગળી ઉડાડી
દલિતોને દર્શન દેવા બગીઓમાં બેસી નીકળી પડ્યા !
પછી વરસભર ઘુસી ગયા ઘરના ગોખલાઓમાં
ગુફતેગુ કરી ‘અસ્મિતા’ ઢુંઢવા માટે !
અરે, પારકા ને મામકાના ભેદ પાડવા અને પારખવા માટે !
બાબા વિરોધી છાવણીના
ખૂંખાર ત્રિશૂળીયા ટોળામાં
અગ્રસ્થાન શોભાવી
રાજસત્તામાં સૌ પ્રથમ કંઈક બથવવા, હડપવા
શોેર્ટકટ સીડીઓ ચઢતાં ચઢતાં
વલખાં મારતાં, ઘસાતા-પીટાતા-ચૂંથાતા
ભૂંડી ભેખડે ભરાઈ ગ્યા ! અણગમતાં આક્ષેપો વ્હોરતાં વ્હોરતાં.
કેટલાંય સ્વાર્થી કલમઘસુઓ
અંગત ઈર્ષાઓથી પ્રેરાઈ
કાલના ભાવિ ઈતિહાસમાં બે નંબરીમાં તેમનું નામ ખસી ના જાય
તેથી ‘દલિત સાહિત્ય’નો નાશ કરવાના
મુરખ મનસુબામાં સંપૂર્ણ નાસીપાસ થતાં
હવાતિયા મારતા થઈ ’ગ્યા ! ગાંડાની જેમ માથું પછાડતાં પછાડતાં.
આવા કોક તકવાદી તરવાડીઓ
આંબેડકરી વિચારધારાથી વિરૂધ્ધની
લીલીછમ ફળદ્રુપ વાડીઓથી લલચાઈ લાળ પાડી લપાતા છૂપાતા ઘૂસી
સ્વમાનહીન ચાપલૂસી સ્તરે સલામો ભરતાં ભરતાં સલામત જગ્યાઓએ ગોઠવાઈ
‘વાડી રે વાડી, બોલો જલા તરવાડી, રીંગણા લઉં બે ચાર ? (અને જાતે જ)
અરે, લ્યોન દશબાર... પંદર પચિશ...પચાસ.’
સરકારી રોગીષ્ટ બી.ટી. રીંગણા
પોતાની ઝોળીઓમાં મનભરી થોકબંધ ઠાલવતાં થઈ ગ્યાં ! (કાલ કદાચ મળે કે નામળે ?)
દલિત સાહિત્યના પરદાદાનાય પરદાદા બનવાનાં મૂંગેરીલાલ ખ્વાબોમાં ખોવાઈ !
ઘણા સરકારોને ખુશ રાખવા
નવખિ્રસ્તી દલિત અનામતો વિરૂધ્ધ ઉંચા હાથે ગરજા લેનારાઓ
બાબા અને બુધ્ધનું નામ વટાવી ખાવા
પહેલાં કરતાંય ઘણા ચાલાક અને ચબરાક થઈ ગ્યા ! દલિતોને આપસમાં ઘુરકાવા માટે.
(હજુયે કમબખ્તો જરાય સુધર્યા નહીં !)
બાબા સાહેબે તો વર્ષો પહેલાં વિજાપરો કરેલો
"મને આ ભણેલાં ગણેલાં વ્હાઈટ કોલર કલમઘસુ રંગ બદલતાં કાચીંડા, ગીધડાં, સમડી-સમડા અને શિયાળવાં જેવાઓ એ જ દગો દીધો છે !
દલિત ક્રાંતિ રથ પાછો ઠેલવવા !"
No comments:
Post a Comment