Sunday, March 29, 2015

તું ગામડે મારા આવજે રે !



(રાગ ઃ- ધૂળચી તારી મન્ માયા લાગી – લોકગીત)

તું ગામડે મારા આવજે રે હો વીરા મારી આ વ્યથા જોવા !
દુઃખિયાનો ભેરૂ તું થાજે રે, હો વીરા મારા વ્હાઈટ કોલરવાળા !
ગામ છેવાડે છે ઝૂંપડા મારા (૨)
ઉકરડાની આગળ રે… માથું ફાટ્ટે એવી દુર્ગંધ વાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા કમળ વાળા !
કૂવા કાંઠે અમે અળગાં ઊભા (૨)
ટીંપા પાણી માટે ટળવળતાં રે હો ઉજળીયાતના બૈરાં આગળ !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા પંજા વાળા !
ગાળ તુંકારા તોછડાઈથી (૨)
મ્હોં મચકોડી ઓ રેડે રે ઉપ્પર હાથે અભડાવાવાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા હાથી વાળા !
દૂણી લઈન છાસ લેવા (૨)
ઓટલે ઊભા કરગરીએ રે અમે “ડૂવો” કરીને “ડોઝઝું” ભરવા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા લાલ સલામ વાળા !
કાળી મજૂરી કરીન્ મરીએ (૨)
મ્હેનતાણામાં મ્હોંકાણો રે કરતા કાયમ આ ખેતરવાળા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા લઘુત્તમ વેતનવાળા !
અમે હિન્દુ હોવા છતાં મંદિર બંધ છે (૨)
વાસમાં મઢ અમે બાંધ્યા રે માતાજીના ગરબા ગાવા !
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા ત્રિશૂળ વાળા !
કાના ટૂટેલ ‘ચા’ના ચપણિયા (૨)
થુવેરીયામાં ઘાલ્યા રે ગામે ગામે આ હોટલવાળે
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારા સમાજ કલ્યાણવાળા !
ગ્રામ પંચાયતનો સભ્ય થ્યો છું (૨)
જોડા હાચવીને બેહું રે હું તો “જનતાઘર”ના ઝાંપા આગળ !
તું ગામડે મારા આવજે રે હો વીરા મારા એટ્રોસીટીવાળા !
‘….ઢા’ હાળા ફાટ્યાં બહુ છે (૨)
સૂણી સૂણી કાન પાક્યા રે જાણે બરછી ભાલા વાગોે કાળજડામાં
તું ગામડે મારા આવજે રે હો વીરા મારા દલિત પેન્થર વાળા !
આઝાદી તો ક્યારની આવી (૨)
લોકો એવું કહે છે રે પણ ભઈલા, અમે એને ક્યાંય ના ભાળી
તું ગામડે મારા આવજે રે, હો વીરા મારી આ વ્યથા જોવા
દુઃખિયાનો ભેરૂ થાજે રે હો વીરા તારી હાચ્ચી કલમ વાળા !
રચનાકાળ ઃ ૧૯૬૮

No comments:

Post a Comment