Sunday, March 29, 2015

પંચાયતની પોપલીલાઓ

વીસ મુદ્દાનો રૂડો રૂપાળો,
સપના કેરો મ્હેલ મજાનો !
પરંતુ
સોંપી સત્તા પંચાયતોને,
સત્તાનું વિકેન્દ્રીકરણ આ !
ગ્રામકક્ષાએ,
પંચાયતની પાૅપલીલામાં,
અંધારે અથડાય અંત્યજો !
જનતાઘરમાં વહીવટ કરતાં
ઉપર નીચે આગળ પાછળ
સત્તાવાળા સબળા લોકો બાહુબળમાં ભર્યા પુરા એ !
ધરમ ધક્કા, થાકી સલ્લામો
ચૌદશીયાને ચા પાણીમાં ખુશ કરે જો
કામ પતે ભૈ… ગંગા ન્હાયા !
ચર્ચા જગવે ચૌદશીયાઓ
પંચાયતની ચૂંટણીટાણે
કમળે કે પંજાએ ? ક્યાં હતો ભૈ !
કાળઝાળ થૈ છેવટ સરપંચ
શોધે ગામ તળાવના ખાડા
વિરોધીજુથે ગેરકાયદેસર બથાવેલ ઉકરડા અંદર
નદી કિનારે કાં ઓઘા મધ્યે !
ચોમાસાના વ્હેળા વચ્ચે
ગામથળના મફત ગાળા વીસ મુદ્દાના
નબળા વર્ગને રહેવા માટે,
પૂરમાં તણાઈ મરવા માટે
પંચાયતમાં કરે ઠરાવો
મોકલી દેવા અહીંથી આગળ ! તાલુકામાં ચાંપ દબાવે
દલિત બિચ્ચારો,
આજીજીને વિનવણીઓ
વારંવાર કરે સલામો
ગોકળ ગાય તુમાર ઘોડો
મરજી હોય તો ચાલે થોડો
તાલુકાની પંચાયતમાં
રોજના આંટા દાદ મળે ના !
વચેટીયાની વગ વિના કોણ છે ત્યાં સાંભળનારૂં ?
કાળા પાકીટીયા સમાજ સેવક શોષણખોરો !
સાધ્યા તેણે સાહેબ લોકો.
સ્થળ તપાસે,
તાલુકા વિકાસ અધિકારીશ્રીની આવે સવારી
ઘણી બિલાડીઓ વચ્ચે વાંદરો
ભેદી દાવ એ ખેલે ખંધો !
ઓરડા માટે ખાલુ લેવા પડા પડી ભઈ પડાપડી !
અંદર અંદર ચેપ્ટર કેસો,
ભાઈ ભાઈમાં ભળી ભુતાવળ
વાંધા અરજી અપીલ કોર્ટો,
લોહી તરસતી ઈર્ષાખોરી !
વેર ઝેરથી જલી જલીને,
રાત સુએ ના ચેન દલિતો !
સ્નેહ સંપથી ટૂટી સાંકળ,
ઘર ઘરના થઈ ગયા દલિતો !
માતાજીના નબળા વર્ગનું (?)
બાપુજીના અંત્યોદયનું (?)
શું થશે સ્વપ્ન સાકાર દેશમાં ?
રચનાકાળ ઃ ૧૯૭૬

No comments:

Post a Comment