Sunday, March 29, 2015

હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા

જૂઠને મારે વેર ઘણું સઅ્..! ’લ્યા જન્મે છેટું તેર ઘણું સઅ્..!
હાચ્ચે-હાચ્ચુ, બોલનઅ્ ફાડ્યા ? દિયોર્ અનોંમતો ચ્યમ્ લેવીસ્…!?

‘એબ’ન્ ઢાંકવા, તેં લંગોટ બાંધી ; ખીણન્ પ્હાડો ! ખૂંદયા ક્યારે ?
કંદમૂળો ને જડીબુટ્ટીઓ, ઝરણાંનું પોંણી પીધું ક્યારે ?
મોરપીંછાન્ માથે બાંધી, મોરલીના સૂર છેડ્યાં ક્યારે ?
અમે વાધ્ધુનાસોરાં મૂળનિવાસી, એમ છાતીન્ ઠોકી કહ્યું ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

તમે શામળાજીના મેળે મ્હાલી, “તુત્ત્ડયું વાજું” બજવ્યું ક્યારે ?
‘બૂંગિયો’ ગજવી ટેકરી ટોચ્ચે, ભઈલાઓને ચેતવ્યા ક્યારે ?
કૂકડાં, સસલાં આગમાં શેકી, મહુડાનાં મદ્ય પીધાં ક્યારે ?
ભાઈબંધોના ખભે ચઢી, કીકીયારી કરી નાચ્યાં ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

બેનડી તારી દીકરી તારી, વાલ્મિકી ને પૈણી ક્યારે ?
બાપ-ગોતરમાં એંઠવાડાની, હાક્ક્ વાળુની મારી ક્યારે ?
મડદા પરથી કફન કાઠી, ઘરમાં લઈ જઈ ઓઢ્યા ક્યારે ?
હાથ્માં ઝાલી બોઘ્રાં ઝાડું, જાજરુંનું મળ ચૂંથ્યું ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

ખભે ‘આડું’ ભેરવી ખાંધે, ઢોર મરેલાં ખેંચ્યા ક્યારે ?
આર્-છરી લઈ ‘હાથરી’ વચ્ચે, લોહીનાં લડધાં ઉંચક્યા ક્યારે ?
‘શૂળા-બોટ્ટા-ઘુઘરાં’ઓને, ‘કોંકણી’ શેકી કૈડ્યાં ક્યારે ?
ગામ છેવાડે ઉકૈડામાં, તેં ઘરથાળગાળા માંગ્યા ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

સાવરણાં ને સૂંડલા-સૂંડલી, ઈઢોણીઓમાં આભલાં ચોડી !
વતાગરાં થઈ વાળ દાઢીના, અમારાં તેં છોલ્યાં ક્યારે ?
વાર-તહેવારે પંચ મળે તો, ‘હોકલાં’ ભરીન્ ચેતવ્યા ક્યારે ?
રાહડે રમતી નાજુક ગૌરાંગીને, ઢોલના થાપે તેં થકવી ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

ટીપણું ખોલી, દીકરા-દીકરી, એમના હાથે પૈણ્યાં ક્યારે ?
વહીવંચાના ચોપડા પૂજી, તેં વંશાવળી વંચાવી ક્યારે ?
ગજીયાં, પંચિયા, જાડી પછેડી, ખાડ્ય્-ખટ્ટારે વણી ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?
કૂવા કાંઠે અળગાં ઊભી, ટીંપા માટે ટટળ્યો ક્યારે ?
આભડછેટે બીતાં બીતાં, છાસ્ના માટે તું કગર્યો ક્યારે ?
‘ચા’ના ટૂટેલ ચપણિયામાં, ધોઈને પીધી ‘ચા’ને ક્યારે ?
તૂરી-બારોટ ની ઝીલી સલ્લામો, ઝાંયણીઝ્વાર તેં આપ્યા ક્યારે ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?

અનોંમતના જાતિ જુધ્ધે, ઝુંપડા તારા ’લ્યા હળગ્યાં ક્યારે ?
હક્ક અમારાં હડપી લેવા, વિરોધીઓ બધ્ધા એક થયા ’લ્યા !
એ ફાંહલાં બધ્ધુંય જગ જાણે ’લ્યા, અમારા જેવું વેઠજો પ્હેલાં !
શું મૂળનિવાસીના અધિકારો, બોલકી બહુમતીએ બદલૈ જાહેં ?
હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?
દિયોર્ અનોંમતો ચ્યમ્ લેવીસ્ !

રચનાકાળ ઃ-  ૨૦૧૦

નોંધ -દેશમાં ચોમેર અનામતોની લૂંટાલૂંટ મચી છે ! રાજસ્થાનમાં મીણાં, ગુર્જર, ગુજરાતના સવાયા સવર્ણ મોચીઓ, સર્વ રાજકિય પક્ષોની બહું બોલકી સવર્ણ મહિલા સેવિકાઓ, મુસ્લીમ, શીખ,ઈસાઈ, જૈન, બૌધ્ધ જેવી તમામ લઘુમતીઓ, મંડલ અને રાણે પંચની ક્રિમીલેયર ધરાવતી બાહુબળી કોમો, આંગળીના વેઢે માંડ સાડા ત્રણ ટકા ધરાવતી સત્તાના ઉચ્ચાતી ઉચ્ચ આસનો સહિત સમગ્ર વહિવટમાં ટોચકે છવાયેલી વિશેષ સામાજિક રાજકિય અને ર્ધાિમક અધિકારો વટથી ધરાવતી બ્રાહ્મણી જમાત તેને પૂંછડે અડીને લટકેલી અન્ય જાતિ-પ્રજાતિઓ અનામતોને કોઈપણ હથકંડાઓ અપનાવીને બથવી લેવા બેબાકળી બની છે. સદીયોથી આમાંના કોઈએ પણ ક્યારેય કંઈ પણ અનુસૂચિત જાતિ/જનજાતિઓ જેવું વેઠ્યું છે ખરું ? આ સોંસરા સવાલના હાચ્ચે હાચ્ચાં જવાબ તેઓ દેશે ખરાં ! વેઠનારાઓની અનામતો રફેદફે કરવાનો કોઈ મનુવાદી મહાપ્રપંચનો કારસો તો નથી નેં !

No comments:

Post a Comment