Sunday, March 29, 2015

મહાડ સત્યાગ્રહ

સહું ગરીબો એક બન્યા છોડીને વિખવાદ,
જયભીમ કેરો ગજવ્યો પ્રચંડ ગગનભેદી નાદ.
ભારત તણી ભૂમિમાં જામ્યો તો અંધકાર,
જાતિવાદી જુલ્મીઓએ જકડ્યા નર ને નાર;
જાનવરોથી એ બદતર હાલત હતી ખરાબ;
વ્હારે ચઢીને આવીયા તેદિ’ બાબા ભીમરાવ.
કૂતરાં બળદને ભેંશો તળાવે ભલે તરતાં,
આવી શકે ના અંદર દલિતો દૂરથી ડરતાં;
મુસ્લિમ ભલેને ન્હાતો ઈસાઈ છો ને અડકે;
અછૂત માનવીથી હિન્દુત્વ ભુુંડુ ભડકે !
ઓગણીસમો સત્તાવીસમાં મહારાષ્ટ્ર જયારે જાગ્યું,
સદીઓના શોષિતોનુ બ્યુગલ બરાબર વાગ્યું;
ગુજરાતમાં પણ ત્યારે ઉમંગ અનેરો છાયો;
ચાલો ‘મહાડ’ જઈએ બાબાનો કોલ આવ્યો !
ટોળે ટોળાં ઉમટ્યા ના રોકી શકાય રોક્યા,
લલકાર મૂક્તિજંગનો કરશે ખરી કમાલ !
ઓગણીસ વીસ માર્ચે લાખો દલિતો આવ્યા;
બાંધીને શાક રોટલા સો સો માઈલોથી આવ્યા.
બાબાએ જયારે સહુને ઈતિહાસ સહુ બતાવ્યો,
માલિક હતો તું દેશનો તને જ છે સતાવ્યો;
ઈશ્વરના નામે વર્ણાશ્રમની વાતમાં ફસાવ્યો,
સેવા કરી સહુ લોકની તું સેવા કરી ઘસાયો.
ઝુંટવાના અધિકારો સલામે ના હોય રસ્તા !
સંઘર્ષ બલિદાન વિના ક્યાંય નથી મળતા !
અવાજ કર બુલંદ સ્વભિમાનને જગાડી !
અંદરના મતભેદોને કાયમ દેજો મટાડી !
ટૂકડાની લાલચોમાં બનશો નહીં ગુલામ,
એંઠવાડ માંગી ખાઈને કરશો ના હરામ;
મરેલાં ઢોર ખેંચવાનું કરજો કામ બંધ,
મડદાલ માંસ દારૂનો કરશો કદી ના સંગ.
વાત મારી દિલમાં તમે ગાંઠે બાંધજો,
આ પાણી ચવદારનું ચોક્કસ તમે પીજો !
યુગ પુરૂષ આંબેડકર જો હોય જેના નેતા,
બને માટીમાંથી મર્દો ત્રાડ થાય દેતા !
દલિતોની આંખ ઉઘડી બાબાની વાત જાણી,
ભડકી છે આમ ભીતર તલસ્યા પીવાને પાણી;
આગળ ચાલે આંબેડકર પાછળ છે ભીમની સેના,
મહાડ ગામે ગલીઓના ગાજયા છે ખુણે ખુણા !
બદલાની ભાવનાનું ઉછળતું ખૂન અંદર,
સમજાવે બાબા ભીમજી એ વહેવાર નથી સુંદર;
સંગઠનની શક્તિ ઉત્સાહ કાયમ રાખો,
અહિંસાનો સત્યાગ્રહ આ આદેશ મારો પાક્કો.
ખોબો ભરીને પાણી ભીમરાવે પ્હેલા પીધું,
આચમન ભરીને તુર્ત જ લાખો લોકોએ લીધું;
ધર્મના નામે ધોખો દુનિયાને તો દેખાણો !
પ્રપંચ મનુસ્મૃતિનું ઈતિહાસ સહુએ જાણ્યોે !

સૌજન્ય ઃ વોઈસ ઓફ ધ વીક, ગુજરાતી (૬-૧૨-૯૧)

No comments:

Post a Comment