મહારાજા સર શ્રી સયાજીરાવ ગાયકવાડ બાપુ (બીજા)
(સેના – ખાસખેલ સમશેર બહાદુર દોલતે ખાસ ઈ ઈગ્લિશીયા)
(ઈ.સ. ૧૮૮૨ થી ઈ.સ. ૧૯૩૯)
મનુએ પાથરેલા
સદીયોના ઘોર અંધારાઓથી,
અથડાતી, કૂટાતી
કાળી રૌરવ યાતનાઓમાં
કચડાતી, સબડતી
અમાનુષી અત્યાચારો ભોગવતી રાંક પ્રજાઓ,
અને મહાપ્રપંચી પિરમિડોના નીચલાં તળીયાની ઈંટો સમા
છેક છેવાડેના કાળા-કૂબડાં
ગંદવાડ-મંદવાડમાં મુંઝાતા ;
જીવંત માનવ કંકાલો માટે,
ગામે ગામ
‘અંત્યજ શાળાઓ’ શરુ કરી આપે !
‘કાળા સૂરજો’ની કુંપળોને ફૂટવા માટે અદ્ભૂત
અણમોલ તક આપી,
હે મહા-નર પૂંગવ !
આપે ઈતિહાસને
પડકાર્યો પછાડ્યો અને ભૂંસ્યો,
વારંવાર કરવટ બદલાવી બેઠો કર્યો…
એને સાવજ સજર્યો !
શુદ્રના બન્ને કાનોમાં ધગધગતું શીસું રેડાવનારી
કૂલા, જીવ્હા ને ડોકું છેદાવનારી
પોતાની સડી ગળી સંસ્કૃતિમાં અહર્નીશ રમમાણ રહેતી
કેન્સરગ્રસ્ત ભેજાંધારી બ્રાહ્મણ જમાતની
આપે ક્યારેય કોઈ પરવા ના કરી !
અનેક અવરોધો વચ્ચે,
અડીખમ યૌધ્ધા બન્યા,
ધન્ય ધન્ય નીડરતા આપની !
કાળમીંઢ ઉબડખાબડ વિરાટ મહાશિલામાં
ભારતીય સંવિધાનના સર્જકનું,
નવલાં યુગના નવબુધ્ધનું,
અજોડ મહાશિલ્પ
એક ભવ્યાતિભવ્ય
આપે જ પીછાણ્યું !
આપના હાથના છીણી હથોડા, ટાંકણા ને કોમળ ટેરવાં,
આપે સતત ચલાવી પુરું દિલ દઈને,
અમને કંડારી આપ્યું
અમારા કલ્યાર્થે,
આપની શુભ લાગણીઓથી !
સાત સમંદર પાર વિદ્યાદાન આપીને
અમ પૂવર્જોના ‘શંબૂક વધો’નું
કર્યું પ્રક્ષાલન,
એક પ્રાયશ્ચિત ભાવે !
અતિ ઉદારતાથી,
અદકાં હરખ ઉમંગે !
આપે પ્રગટાવેલી ‘મહા મશાલ જયોતે’
કરોડો દિવડાઓ ચોમેર જળહળ્યાં પૂનિત પ્રકાશે !
અમ ભારત ભૂમિએ,
બહિષ્કૃત બહુજનોના માટે.
છે પ્રતાપ આપનો
‘બરોડા સ્ટેટ નરેશ સેનાખાસ ખેલ સમશેર બહાદૂર દૌલતે ખાસ ઈ. ઈંગ્લિશીયા
મહારાજા સર શ્રી સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બાપુ !
અમો યુગો યુગો પર્યંત ઘણા ઋણી છીએ આપના
‘યાવચ્ચંદ્ર દિવાકરૌ’ તપો તેજ તમ તણાં !
ના લોકહૃદયે ભૂલાશો કદીયે
યુગાતિયુગે !
વારંવાર ઝૂકશું, લળીશું લાડ સાથે મસ્તકો નમાવી
સ્મરીશું, પૂજીશું, પ્રાથીશું લાખ લાખ વાર તમને,
અમો દુઃખિયાઓ કોટિ કોટિ વંદનો કરીને !
રચનાકાળ – ૧૯૬૮
No comments:
Post a Comment