Friday, March 27, 2015

કન્યા ત્યાંનું દે’જ

‘કન્યા ત્યાનું દે’જ થયું’
સમાજ સંપ્યો હરખ હરખ થૈ !
વર્ષો જૂની
વાત સાંભળી
વડવાઓ પાસે
અસ્મિતાની
આત્મગૌરવની
અગ્નિપરીક્ષા
આપી સિધ્ધપુરા સારસ્વત(સરસ્વતી તટ્) સમાજે !
એ લોકો
‘દંભી એકતા’ની
ગળાફાડ ગુલબાંગો પોકારે
કાયમથી ભૈ !
સમાજના શ્રધ્ધાળું લોકો
અનુભવતાં આઘાત ઉંડેરો
પરમ શહીદ વીર ‘શ્રી મેઘ માયા’ના
કે સંત શિરોમણી શ્રી રોહીદાસ
દલિત ઉધ્ધારક રામા પીર કે સંત શ્રી તેજાનંદ ને સંત શ્રી બહુચરસ્વામીના
ભાઈ પવિત્ર ગણાતી ગત્ ગંગાના
ઉછળી ઉછળી ઠાલમ્ ઠાલા
ઘણા જોરથી તાળીઓના ગડગડાતે ગજવતાં જે જય જયકારો
સાંભળી ને ભૈ !
ક્યાંય સંધાય ‘સાચ્ચિ એકતા’તો
એ લોકોમાં
લ્હાયો લાગે !
તેલ ઉકળતું રેડાય પેટમાં.
હર કાત્યો’કે
કુંવારકાના મેળે
આવે મળવાં આગોતરાં, હર્ષ ઉલ્લાસે સવલતો સાચવવા.
બે દહાડા પ્હેલાં
સારસ્વત્ સમાજે
સિધ્ધરાજ જયસિંહની સિધ્ધભૂમિએ.
સમાજના બંધારણ તોડતા
છૂપા ગુન્હેગારોના ગુન્હા અને પા ગુન્હા ગોતવા
પોતાના પડેલા પડતર પ્રશ્નો સુલઝાવા કે વધુ ગુંચવવા (?)
આવતાં ટોળમ્ ટોળા સજીધજીને !
* * *
એ રાતે
રસોઈ મજાની !
આવનારા સહુ આગેવાનો માટે
કાજુ-બદામ, કરિયાતું મિશ્રણ
ઈલાયચી ને સુક્કી દરાખનો ભાંગેલો ભૂક્કો ભરચક ભારે
ઉનો ઉનો ધીરે ધીરે ગળચાતો
ગળું શેકતો સુગન્ધી શીરો… જીભલડીએ મનભરીનેં મમળાવાતો
કે કો’ક ઘરે દેશી ઘીમાં લચ્પચ્તી લાપશી
હેતે પીરસાતી એમના માટે.
બે હાથોની ખણ્ખણ્તી રણ્ઝણ્તી બંગડીઓ
ઘરમાં વણેલી સેવ સુંવાળી નમણી નારની
છૂટ્ટા હાથે બુરૂ ખાંડ વેરાતી તે પર
નમતે નાળચે ઊભી વાડીએ ગરમ ગરમ
ઘીની ઊંચે ધારથી ઊંચે હાથે છલ્ છલાછલ્ છલકાતાં ‘તરભાણાં’ જે તળીયે મેલ્યા
દાળ રોટલો ઘેર ઘેર હાજર,
અન્ય અજાણ્યા આગંતુકો માટે.
ખાટલાં ગોદડાં કોઈ ઘર ના બાકી
સુંદર સજાવી ઢાળ્યાં પરસાળે
એમના માટે !
ખુશી ઉમંગો હરખે હૈડાં
પર્વ અનેરું આજ આંગણે ! કાત્યો’ક નો મેળો જામ્યો મજાનો !
ભાંગ ફોડીયા ભાંજગડીયાઓની
માંયલી હોઝ્ઝ્રી તલપાપડ થઈને, ગળચવા ગાંડી
ઉબકાં દે તોય,
લાલચટ્ટક ચરબી ઉકળેલા ગાઢા સૂપમાં
તરતી ગુલ્લીઓ પાયા ચાંપ ને
ચીકાશથી ટપક્ટપક્ તરપતા લથબથ લડધાં ને બોટ્ટાઓ
ગુલ્લાં ઝાલી બે હાથોથી ઉંડા શ્વાસે
ગાલ ફૂલેલાં અંદર ખેંચી જીભલડી ટપ્કતાં ભેજાથી ભીંજવે
મીઠો ચસકો માંયલો મજાનો !
ચસ્ ચસ્ ચસ્ ચસ્ ચૂસતાં ભારે નલ્લાં ગુલ્લાં
અસ્તિત્વતાને ખુદ ઓગાળી.
સ્થિતપ્રજ્ઞતાને તાંહળામાં પરોવી
જોટાણાના તીખા મરચાં જેમ ચીસકારા પડાવે !
દંભી ડોળે અશ્રુ વહેતાં
તૈંણ રોટલાં ભર્ભર્ ભાંગે
તવી ઉપરથી તરત ઉતરતા જાર બાજરી કે જાડા ઘઉંના વણેલા
ઉપર મોભના શેકાતા પતરાં ઉડાં ઘરોમાં
અંગ ભીતરથી છૂટતો પસીનો, ન્હાતા ન્હાતા
વારંવારે લૂછતાં એમના નાક તરપતાં !
વાયુ વિંઝણો વિંઝે યજમાનો
ઘણા હોંશથી ચાપલૂશ ભાવે
નાંભિ નેંણાને એક વણીનેં
અંદરની આંતેડી આશિષો દેતી ખાતા ખાતા
સિધ્ધપુરના સારસ્વત્જનોંને
કહેતા પાછા ગુણલાં ગાઈ
“આવું વેઠે એને જ ખબર પડે ભૈ !”
(વ્યાજ-કાંધામાં વરસ ડૂબીે સાચવે સેવા ગરીબ બિચ્ચારું ઘણા ચાંપલા આ ચૌદશીયાઓની !)
* * *
રાત વિત્યે
દૂર દૂર ખાટલાં ફાળીયા વાળાના
હોક્કા ફૂંકાતા ચાંદી મઢેલા
ચગવે ચર્ચા જૂથબંધીની
ાકડાની તલવારોનાં પટ્ટાક ખેલોની !
ચૌદશીયાઓ એકમેકના કાનો ફૂંકી
ચઢે અજાણ્યા કો’ક ઘરના મેઢે
સેવામાં હાજર મિલમજૂરો
કોઈ સ્પીનર, ડાફર, જોબરને ચોકડી કે છગડી ચલાવે
ઉપર આંત્તેડા ઘોઘરે આવે
રાંડેલા બૈરાં ઉછેરવા છોરાં
મિલમાં ટોપલા કોકડી ભરતાં, ખેંચતા ને ઠલવતાં
મેળાના મહેમાનો ખાતર
દા’ડીથી બેફીકર થઈને
કપાત પગારે ઘેર જ રહેતાં
માટીની મોટી ચલમોમાં ઠરે હોકલાં અગન ભરેલાં
ઝાલી ચીપીયો નવા અંગારા તાજા કરતાં
વર્ષો જૂની આ પરગણાં શાહી
જરી પુરાણી સામંતવાદી
એકમેકથી અધિક અદકી
રાત વીત્યાની ખબર પડે નહીં !
વગર સમજે ભોળાં સારસ્વતો તાળીયો ઝીલતા વગર મતલબની !
* * *
ભાવિના એંધાણ પારખી
ભીતર સમાતી સૂકાય સરસ્વતી.
અતિપ્રાચીન પૌરાણિક પવિત્ર
ઋષિમુનીઓની પાવક તપોભૂમિ આ
“માતૃગયા” મહાશ્રાધ્ધ તીર્થોમાં
સાંખ્ય ઋષી કપિલ મુનીએ માતા અરૂધંતીનું મોક્ષદાન કર્યું અહીં સિધ્ધપુરે,
ત્યારથી થતું પિંડદાન સદ્ગત્ આત્માનું
એવું આ કાત્યો’કના સિધ્ધપુરીયા મેળાનું મ્હાતમ્
બધી બાપૂકી કહેવાતા બ્રહ્માના મોંઢાએ ઉપજેલા બ્રાહ્મણોની
દલિત સારસ્વત્જનોનો અહીં આગવો ઓવારો
દલિત મર્હિષ સંત તેજાનંદજીનંને અહીં અટકાવ્યા આભડછેટે માધુ પાવડી ઓવારે
દલિત સારસ્વત્ પેઢીઓના મળે નહીં નામો,
એમનાં થોથા-ચોપડા એમની લાલપીળી એ ગાંઠડીઓમાં
ચારેવર્ણોના પીંડદાન ને તર્પણ મોક્ષની
સ્વર્ગ સીડીઓ હટાવી
લઈ ગ્યાં બિંદુ સરોવરેએ જનોઈધારીઓ
બિંદુ સરોવર મનાઈ આપણી પંચમ્વર્ણાની
જાહેરમાં અભડાતા ચૌબાઓ
અત્યંજજનથી આજ લગણ ભૈ !
આપણું શ્રાધ્ધપિંડ આપણા ઓવારે
આપણાં ગરો બ્રાહ્મણ જ કરાવે. આપણને મળેલા અલગ “અનામત” ઓવારે
ઢૂંકતી ત્યાં અન્ય વરણ જે આપણાથી અભડાતી હોય !
શ્રાધ્ધ સરામણું દલિત સદ્ગતનું
વિધિ ુ પિંડદાન કરાવતા કહેવાતા મોક્ષને માટે
માથે મૂંડન પહેરી પંચિયું ઢીંચણથી ઉપર બદન ઉઘાડું,
થરથર ધ્રુજતો વહેલી સવારે મૃતકનો દીકરો !
દુબળા દલિત બ્રાહ્મણની સાખે
અન્નદાનનો અહીં મહિમા મોટો પેટીયું આપે
સુક્કી બટેટાની ભાજી પુરી-શાકનું દૂર ગામોથી માથે મુકી આવતાં વહેલી સવારે,
હાથ્થે કૂટેલા ઘરના લાડવા, આથેલાં મરચાં, ભજિયા તળેલાં આગલી રાતના
ઉપર મૂકે દાનમાં રૂપિયા
ભાણે ભરી એ પેટીયામાં આપે
આશિષ લેવા ગરો બ્રહ્મદેવની !
દલિત સારસ્વતો બધું જ સ્વીકારી અંધ વિશ્વાસે,
માતૃ-પિતૃ તર્પણના નામે !
સદ્ગતના સ્નેહીજનોને
વાસ વસ્તીના મેળાપી લોકો
રેલ રસ્તે કે પ્રાઈવેટ સફરમાં કચડાતા અથડાતા કુટાતા આવી
દાન આપતાં કોઈ માંગણને
ભોજન દેતા ઉપર હાથે
જનાર જનના પુણ્યને માટે
વાહ ! વારસાગત ધરમના કેવા ઊંડા મૂળિયાં મજબૂત,
દલિત માનસમાં પરંપરાગત ઉતર્યા !
દિવંગત સ્વજનને સંભારી સંભારી
હીબકાં ભરતાં લાંબો છેડો વાળી સ્વજનનો સમૂહમાં બેસી બૈરાંઓ આક્રંદને ચીત્કારો કરતાં
સગાસ્નેહીઓ ગળે વળગીને બહેન દીકરીયું ને માથા ફેરવતાં
હિંમતને આશ્વાસન દેતાં
ગામ ગામના થારા લગોલગ
સરામણે મૃતક આત્માના.
ગયો સ્વજન પાછો થોડો વળશે, યાદો એની હરપળ રહેશે !
* * *
બપોર સુધી સહું હળતાં મળતાં
ખોવાયાને, શોધી કાઢવા ખુદ ખોવાતા !
આપસમાં વેવાઈઓ મળતા,
શોક ભરેલા એકબીજાને રામે રામ કરતાં.
કોક વળી શીહો શોધવા દોટ્યું દેતા,
કોકને કબાબ, પાપડ, ચલ્લી કલેજી
ભજિયા, ઘુઘરાને બોટ્ટા ગમતાં !
જઈ જવાનીયા ચગડોળે ચઢતાં
રસિકજનો ઠઠ્ઠાને મશ્કરીઓ ચડતાં
નાના ભૂલકાં પીપુડીયુંને મોર ચકલીયું
ઉડાડી ફુગ્ગાને ફરકડીઓ રમતાં
કાખમાં બાળક જવાનડીના
બીજું બંદો, ખભે ઉપાડી આગળ ચાલે
ઢીલું ધોતીયું ખોશી કમરમાં
ત્રીજું બાપની આંગળી ઝાલી
ધીંગામસ્તી કૂદકા મારે !
માધુપાવડીએ,
મેળો મ્હાલતી બીન દલિત યુવક યુવતીઓના
જોબન ઉછળે, ધરતી ધ્રુજે, ચકળવકળ આંખોની મસ્તી.
ટોળા બ્હેંકે ઊભા મેળે
બન્ને હાથે દાંત ભીંસીને
ખરા જોમથી ખડતલ ખૂણીયો વીંઝે
ભીડ મેળાનો રસ્તો કાપવા
ખભેથી નીચે કાંડા લગોલગ હાથી દાંતના પહોળા ચૂડલાં
ચાંદી મઢેલા
જે કોઈ આવે અડફેટોમાં
ખભા છાતી ને બરડાં તોડે
બોલે પાછું મારા રોંયા આઘો ખસનઅ્, આંયથી મરનઅ્ ! આધડો જાનઅ્ !
વાગે તો યે મરકે મૂછમાં જવાનીયું પણ
ખરી ભીડમાં ખૂણીયો ખમતું
કોક કચાલીયો હાથ ચાલાકી અવળી કરતો
સીધી સોંસરી નિતંબના નીચે પાછળથી લાબાં હાથે લાલ્ ટ્શર ચટૂણીયો ખણતો
ઓયમાં.. ઓયમાં… ચિચિયારીઓ ઉઠે !
ભાગમ્ ભાગ્ગા !
ખેલ તમાશા અહીં જાદૂગરના
માનવનો મહેરામણ સર્જે
ધક્કામુક્કી શ્વાસ રૂંધાતા
એકમેકના હાથો છૂટતા, વછૂટતા
ખરો મજાનો જામ્યો છે ભાઈ આ મેળો કાત્યો’કનો
થારે આવી થાક્કયું પાક્ક્યું દલિતડું થાક ઉતારે !
પીવાના પાણીએ તરસ મીટાવા, હાથ ભરનોં વીરડો ગાળે ડહોળાયેલા પાણીનો !
* * *
ઢળતો સૂરજ
સમાજ મળતા મોટ્ટા કુંડાળે, અલગ અલગ પેટાજાતિઓના.
કેન્દ્રવર્તી ત્યાં જયુરી જામતી
પરિઘ વિસ્તરતો ચો તરફનો
પંચ હાંભળવા જવાનીયા
ઊભુ કોર્ડન કરતાં ટોળમ્ટોળ્ળાં !
વિશાળ મહાસાગર લ્હેરાતો
વગર આસને કુંવારકાની ધૂળમાં
આપણા ઓવારે કને કને કુશળતાપૂર્વક
હાથ કાનને આંખ ઈશારે
જયુરી અંદરનો રીપોર્ટ જાણવા
ગામ જૂથો બેસે અડી અડીને
પરસેવે રેબઝેબ થઈનેં
મુખ્ય ધરીનું સ્થાન શોભાવે
મોટાગજાના પંચાતીયા રાજા !
આજ ધાર્યા નિશાનો તોડવા માટે
અગાઉની કરેલી મસલતો પ્રમાણે
ગામે-ગામે ઘેર-ઘેર વસ્તી વાહમાં
જૂથબંધીને કજીયા કંકાસો કરાવતા, આપસમાં અથડાવી દેતા.
આ દિયોર્ કોઈ નય્, દિઠ્યાંય્ ના ગમતાં !
આજ બન્યા અહીં ‘અડીખમ જોધ્ધા આગેવાનો !’
પંચ વચ્ચોવચ્ચ પરભુ ગણાવાં.
ચારેબાજુ જીહજુરિયા ધરાવતાં
કોટવાલ ત્યાં થાય કંટ્રોલર
ગત્ ગંગાનો સોહામણો સ્પીકર
કરંટ બરાબર બે ચાર શીહાનો
ધરતી પર ભાઈ પગના ઠેરે !
ગળું કદાવર ના માઈક જરૂરત
નદી રેતના ખુલ્લા પટમાં
પવન સૂસવાટે મૂડ મજાનો !
“સૂરતા રાખો નઅ્ ભૈ હાંભળો
બોલે જે કાંઈ આગેવાનો
ઘડીએ ઘડીએ ઘાંટા પાડે
સૂરતા રાખો નઅ્ ભૈ હાંભળો પંચો”
વારંવાર ઉઠેને બેસે
શાંતિ જાળવવા પંચ પ્રભુની
માંહેથી આવે કોક મજાની કોમેન્ટ એવી
ખળભળ ખળભળ દરિયો ડોલે
હુકમ જયુરી બજાવે તેને
બોલવા માટે
પંચ આમન્યા જરૂર પળાવે
વિલાયતની આ પાર્લામેન્ટ જેવી,
ચર્ચા ગાજતી અજબ ગજબની !
દરિયો જાણે તોડે કિનારો,
સુનામીના સૂસવાટા સાથે,
ઘુઘવાટાને શોર બકોરે !
જવાબ દે સહું એક અવાજે,
ઊભા ઊભા જવાનીયા પણ
દેકારો ગજવે, શેરડીના સાંઠે !
ખમતીધર આગેવાનને ઘાંટા પાડી ભોંય બેહાડે
“તું કુની સોડીની સોડીનો શીયો બેહ્ દિયોર્ તું નથી કાંઈ બહુ જબ્બરો !”
જોઈ તમાશો
મહેરામણ મસ્તીમાં મ્હાલે
ઓટ આવતી શાંતિ સ્થપાતી નીરવતાની
અંદર અંદર જયુરી મળીને
એક બીજાના કાનો ફૂંકતી
કલાકોના કલાકો લગ
ભાવ સમાધિ શાન્ત ભાસતી !
* * *
મેળાપીઓને ભાંગફોડીયા ભાંજગડીયાઓ
લાકડે માંકડું વરકન્યાનું
ઘડીયા લગને જાન જોડાવે
કન્યા મૂરતીયો કોઈપણ ગામ ગોળના
ઝભ્ભા બંડીના ખીસ્સેથી કાઢે
કન્યા વઘરો
અણગમતાં લગ્નો ફોેક કરાવે
બન્ને બાજુ ભરવા ખિસ્સાં
વાત તોછડી
ભાષા ભૂંડી
થૂંક ઉડાડે જાડા હોઠથી
ચાટ્ટી ખાવા વારંવારે જૂથ બદલતાં
બોલતી વેળા વફાદારીના કોઈની સાથે
ઇના ગોંમમાં કે એના ઘરમાં – વાહમાં એનું કોઈ ના માને !
પલપલમાં એ પલટાતા ભારે
દિવસ રાતને સાંજ સવારે
ઈજજત એમની ઘર ઘર જાણે
ઓળખાવતા પોતાને જ જાતે સમાજસેવકો
ફૂલણશીઓ મથતાં ભારે
તેમને સારું કોઈનું સવાય નહીં ને ભૂંડામાં એ જલદી ભાગે
એમનું જે કોઈ ના માને તો
પિત્તો જાય સાતમા આસમાને !
અરજી અપાવે જયુરી પંચમાં
જયુરીને એ જઈને સાધે
વારંવાર હાઉ દેખાડે “ટહૂકો પડાવીશ ન્યાત બ્હારનો”
ડામીશોને ગજવામાં ઘાલે
ગંદી ગાળો થર્થર્ ધ્રુજાવે
તંદુરી મુર્ગી પાક્કી કરાવે
ભૈ’શાબ બોલાવી હાથ જોડાવે
મરજી મુજબ તોડ કરાવે
એકચક્રી શાસન સ્થાપવા
સમાજની પારેવડાં જેવી, દલિત પ્રજાને
માનસિક બંદીવાન બનાવે
જોહુકમી જાળવવા માટે
રોફ સદા રાખવાને માટે
માલેતુજારની મોટરોમાં મ્હાલે
બીજાના ખીસ્સે હાથ ઘાલવા
પોતાનું ગજવું કાણુ રાખે
પારકે પૈસે તાગડધીન્ના કરવા
હંમેશ ઉલટા રાહ ચડાવે.
ભલે ‘કન્યા ત્યાંનું દેજ’ બધે ભૈ
બસ, છવ્વીસ તેર અમારું જ પાળે !
એ અમારી મ…ર…જી…!
હોય સમાજમાં કોઈ પ્રભાવહિન બેં બેં બકરાં
તેઓ સગાવાદના ડર ના ભોગે
પેલાં રતનમાંકડા રૂઠીના જાવે
બેશરમોની આંખ શરમથી
ભાંગફોડીયા ભાંજગડીયા ભોપાઓને ખુશ રાખવા
ઝાલી ઉંબાડું પોતાનું ઘર જાતે ચંપાવે
આકાઓની અભિલાષા પૂરણ કરવા
બીજે પરગણે પંચાતીયાઓમાં પૂછાવા માટે
ગામડે ગામડે મધ્યરાત્રીએ
પરગણાંના તળ ગામડે
પોતાના સંપેલા સમાજમાં
વેરઝેરના બી વવરાવી
ઉલ્ટા સૂલ્ટા પાઠ પઢાવી
હાથ કુહાડા પોતાના જ પગ પર મારે
આકાઓના નામ માત્રથી એમના મૂતર વછૂટે
કન્યા ત્યાંના દેજના માટે
સમાજના ધારાધોરણો
તમો અમારા ગુલામ કાયમથી
તમારા ઘરમાંય નિયમાવલીઓ અમારી જ પાળો
આપે હુકમો એ  આકાઓ
વિભિક્ષણોને અમીચંદો જુગ જુગથી જબરાં પાકતાં
‘કન્યા ત્યાનું દેજ’ બધાયનું
આ બાંગ્લાદેશને માન્યતા કેવી ?
હુકમ આકાઓના સર આંખો પર
ડરી ડરી સ્વમાનને ભોગે
વડવાઓની વેચી ખુમારી
આકાઓના ડાકલે ઘુણવા
આત્મ ગૌરવ ગયું પૂંછડે મારી !
વાસવસ્તીની તોડી એકતા એમાં ઉભા ચીર્રા કરાવે
શાબાશીને પીઠ થબડાવા
આકાઓથી હાથ મીલાવે
ગુમરાહ કરવા ગત્ ગંગાના
સમાજના હિસાબી ચોપડા ગુલ કરીને
ગામે ગામ આગવું તડું ચલાવે !
નવા નવા પ્લાનો માંગે એમના ગુરૂ ઘંટાલો પાસે
એમના જેવી પંચાતી શીખવા
હાડ્ય્ હોડ્ય્ ને હાડ્ફીટ થાવા
ચરણો આપે એ આકાઓના સેવક થઈનેં !
પણ એમના આકાઓ
બહાર ભલે એકતાની મોટી મોટી ગુલબાંગો પોકારે
આપસમાં લઢીવઢીને અહમ્ પોષવા પોતાનો
સમાજના ટૂકડાઓ કરતાં
પસમાં ટક્કર લઈ લે અલગ અલગ બંધારણ કરીને !
અલગ જમણવાર
અલગ જાનૈયાની સંખ્યા જુદી
દહેજના ટહૂકા નિયમાવલીઓ જુદી
કોઈ નાના માંડવે, પર પરગણે
બંને જૂથની અલગ અલગ બે જાનો આવે પરણવા માટે એક જ ઘરમાં
જાનૈયાને ભાણું કોનું પીરસવું ?
ગોદડે બેસી વ્યવહાર કોનો કરવો ?
માન મહોપું બન્ને સગાનું
સરખી રીતે કેમ જાળવવું ?
આત્મગૌરવની આ ‘અગ્નિપરીક્ષા’
સ્વમાનને ખુમારીની આ ગંભીર ઘટનાઓ
ગુલામ સમજી સરસ્વતી તટ પ્રદેશના દલિતોને અંદરથી અકળાવે
બંધારણ એમનું બળજબરીથી પકડાવે !
વિભિક્ષણ ને દે રાજ લંકાનું
ઓરીજનલને કંઈક બીજું બટકાડે !
ખરા ખંતથી હામ ભરીને સૂતા સમાજને અમદાવાદના મિલ મજૂરો જ જગાડે !
ગૌરવનું રણશીંગું ફૂંકીને
અવરોધોથી બાથ ભીડીને !
હતાં અમારા સ્વમાનસભર તરવરીયા એ હિંમતબાજ પૂજનીય વડવાઓ !
શૂરા ને પુરેપુરા બંકા !
* * *
એ લોકોએ
આજ લગણ જેનું ખાધું એનું જ ખોદયું !
એમને જરાય ડર ના કોઈનો ?
પંચપ્રભુને પ્રાર્થ્યો એટલું
વિચાર એમના પલટાવો પંચો !
ઘણી યાતના, ઘણી વેદના
અત્યાચારો મૂંગા વેઠતો
સમાજ આપણો આ પંચાતિયાઓથી !
ભીમ યુગમાં ભાઈ હવેના ચાલે !
નવા યુગની નવી વારતા,
નવલાં વિચારો નવજીવનના,
હળીમળીને પ્રેમ સંપથી,
આપસના મતભેદ મીટાવી,
સમાજનું બંધારણ ઘડજો !
કહ્યું વડવાઓએ
પત્રી આપણી, ડેરો આપણો, છડી આપણી, કોટવાળ આપણો !
ચોપડે નોંધાતી સિલક આપણી !
સહુથી પ્રથમ સહુના માટે
‘કન્યા ત્યાંનું દૈજ’ કરેલી
આપણી અંદરને ગમે તે પરગણે ! સહુ લોકોને સન્માન દેતી
આપણા યુનોની બધાયને માન્યતા ! સમાજના સંગઠનના માટે !
સમય સમયની માંગ પ્રમાણે વડાને વિકારના કોઈ
સૌ દલિતોની ફળી પ્રાર્થના
હર વસ્તી, હર ગામ વાડીએ, લોકહીતોમાં યુગે યુગેથી
સહું ભલા અને દયાળુ સજજનો,
સજર્યા છે મારા વાલાએ
કન્યા ત્યાનું દે’જ થયું ભાઈ સૌના માટે !
સમાજ સંપ્યો
મતભેદો મૂકી આપસના
પરમ શહીદ વીર મેઘમાયાના આશીર્વાદે !
સંત શિરોમણી શ્રી રોહિદાસજીની કરૂણકૃપાએ
દયા પ્રભુની સંત તેજાનંદ ને સંત ત્રિકમ સાહેબની
ઝાંઝરકે સંત સવૈયાનાથની અંતર આશિષો ફળી સંત શ્રી બહેચર સ્વામીની
યુગ પુરષ ડાૅ. બાબાસાહેબ આંબેડકરે જે ચીંધી’તી આંગળી
સંગઠિત રહેવાની…! સ્વમાનથી જગમાં જીવવાની…!
દલિત-ગતગંગાનો જયઘોષ ગુંજયો પીડિતોના સર્વસમાજે
એક બીજાથી લઈ પ્રેરણા જાતિ તોડી દેશને જોડી
કન્યા ત્યાંનું દે’જ કરો ભાઈ ! દરેક જગ્યાએ.
બંધ બેસતી પાઘડી કોઈએ
પહેરવી કે પહેરાવવી નહી ભાઈ ! સામાજિક સૌહાર્દ જાળવવા.
સૌના માટે ‘કન્યા ત્યાંનું દે’જ’ થયું
સમાજ સંપ્યો હરખ્ હરખ્  થૈ !
રચનાકાળ ઃ-  ૨૦૧૦

No comments:

Post a Comment