“મૃત્યુના હૃદયવેધક પ્રસંગોના સમાચારોએ વર્તમાન પત્રોમાં જુએ છે છતાંય હાથમાં ચાય કે કોફીનો કપ રાખીને જાણે કશુંય પણ ના બન્યું હોય તેમ નિરાંતે પાનું ફેરવી શકે છે.” (અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટ – અન્વીક્ષા) આ માનવ મૂલ્ય છે અને સાહિત્યમાં ઝીલાતાં મૂલ્યની જયારે વાત થાય ત્યારે રૂપ વિધાનવાદીઓ અને શુધ્ધવાદીઓ પાસે માનવ મૂલ્યોની માનવીય અનુભૂતિની અપેક્ષા રાખવી કેટલી ઠગારી છે ?
‘‘પ્રત્યેક સમયનું સાહિત્ય સાંપ્રત સમસ્યાઓથી પર હોતું નથી ‘કાવ્યકાર’ પણ મનુષ્ય છે એની કૃતિઓ, કાવ્યસર્જનો તેના સામાજિક કૃત્યો છે. કાવ્યની કસણી માત્ર કાવ્યશાસ્ત્રના ધોરણે જ થાય તે બસ નથી.’’ ઉમાશંકરનું આ વિધાન નજરમાં રાખતાં દલિત કવિતાને તપાસીયે તો એના માપદંડો અને વિધાનો જુદા જ રહેવાના દલિત કવિતા સામાજિક જીવનના અંધારા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે, જે કામ આજ સુધી થયું ન્હોતું.
દલિત કવિતા દિવાનખંડો અને યુનિવર્સીટીઓ છોડીને અદના માનવીની કવિતા બની છે. લોકબોલી, લોકલઢણ, લય અને લોકગીતની ચારૂતાને લઈને કવિતા અને ગીતો રચતાં કવિઓમાં એક છે શંકર પેન્ટર.
ઉત્તર ગુજરાતી તળપદી લોકભાષાના તળપદાં ઋજુ (ક્યારેક કર્કશ) શબ્દ લોકગીતના ઢાળ શંકરની કવિતામાં ઘટનાવિધાનના ભાવને રૂપબધ્ધ કરવામાં ખૂબ જ ઉપકારક નીવડ્યાં છે.
નવો પમરાટ પામતી, યુગો યુગોથી ઘુંટાતી દલિત કવિતા હવે નક્કર વાસ્તવિકતાના ધરાતલ પર ઊભી છે. પોશ પોશ કહેતી જીભ હવે આક્રોશ ધારણ કરી રહી છે. બૂંગિયાના રૂદ્રતાલમાં યુગોની જડતા, હીનતા, લઘુતા, ગંદકી, નૈરાશ્ય ભલે ડૂબી જાય પણ શંકર પેન્ટરની કવિતાને અમે સ્નેહથી આવકારીએ છીએ.
‘બૂંગિયો વાગે’માંથી
દલપત ચૌહાણ
દલિત સાહિત્ય સંઘ વતી ,
No comments:
Post a Comment