Friday, March 27, 2015

‘દાત્તે’ડાના દેવતા’: સ્વાગતમ : જિતેન્દ્ર અ.દવે

કવિ ઈચ્છે કે ન ઈચ્છે પણ સમાજનું, તેની વેદનાઓનું પ્રતિબિંબ તેની કવિતામાં પડે છે. જે સમાજ વર્ષોથી પીડિત છે, ત્રાસિત અને શોષિત છે તે સમાજની વેદનાઓ, વિપત્તિઓ તે સમાજના દુઃખોનો જેને સ્વાનુભવ છે એવો કવિ તે પ્રગટ કરે તે સ્વાભાવિક છે. પીડિત પ્રજાના આ સાહિત્યને આવકારવાનો, તેને અર્ધ્ય અર્પવાનો અવસર મને જયારે પ્રાપ્ત થાય છે ત્યારે મારું હૈયું પુલકિત થાય છે. જે પ્રજાને વર્ષોથી અમે એટલે કે ઊજળિયાતોએ હડધૂત કરી છે, અપમાનિત કરી છે, અછૂત કહી, દલિત કહી, સમષ્ટિના અંધકારભર્યા ખૂણામાં અર્ધભૂખી રાખી, માનવતાના પ્રાથમિક હક્કોથી વંચિત રાખી, રીબાવા દીધી છે, એ પ્રજાના અવાજને વાચા આપતી કવિતા પ્રકાશિત થાય છે, ત્યારે તેને બીરદાવતાં આવકારતાં મને ઉમળકો આવે છે અને અમારા પૂર્વજોએ કરેલાં પાપોનું હું પ્રક્ષાલન કરતો હોઉં એવો ભાવ અનુભવું છે.
આજે સમાજમાં માનવતાનો, ઈન્સાનિયતનો દુષ્કાળ દેખાય છે. અનાજની કે અન્ય વસ્તુની અછત હોય તો બહારથી આયાત કરીએ પણ માણસાઈની આયાત કેવી રીતે કરી શકાય ? એને તો અંદરથીજ ઊગાડવી પડશે. આવું માણસાઈનું વાવેતર કોણ કરી શકે ? સંત કે શબ્દનો સાધક.
જન્મ ક્યાં લેવો તે આપણા હાથમાં નથી. પુરુષાર્થ આપણા હાથમાં છે. જન્મીને પોતાની આસપાસના સમાજનું ચિત્રણ કરી, અન્યને, જેની પાસે દિલ અને દિમાગ છે એવા બૌદ્ધિકોને વિચારતા કરી મૂકે એવું સાહિત્ય આપણે ત્યાં ૧૯૭૮થી આરંભાયું, અને ૧૯૮૦થી ૯૦ના દાયકામાં કેટલીય તેજાબી કલમો – જોસેફ મેકવાન, દલપત ચૌહાણ, ચંદુ મહેરિયા, પ્રવીણ ગઢવી, બબલદાસ ચાવડાની ઊપસી આવી, એ કલમોની કરામતથી ગુજરાતી સાહિત્યમાં દલિતો રચિત સાહિત્યનો નવો સ્ત્રોત જન્મ્યો જે નૂતન સરસ્વતીનો કે અભિનવ સરસ્વતીનો શુભ પ્રવાહ બનશે. આવા નિરભ્ર શુભમંગળ સરસ્વતીના પ્રવાહમાં શંકર પેન્ટર રચિત ‘બૂંગિયો વાગે’ કે હવે પ્રગટતો ‘દાતે’ડાના દેવતા’નો શબ્દસ્ત્રોત નવી સેર લઈને આવે છે.
‘દાતે’ડાના દેવતા’ના આ સલીસજળ કોકને તીખાં તમતમતાં લાગશે, કારણકે ભાઈ શંકર પેન્ટરની કસાયેલી કલમમાંથી પ્રગટતાં કાવ્યો લોહીના લયમાંથી જન્મે છે. આજે જે સ્થિતિમાંથી દલિત સમાજ ગુજરી રહ્યો છે અને જે સંઘર્ષનો સામનો કરી રહ્યો છે તેનું વાસ્તવિક, યથાતથ ચિત્ર શંકરભાઈની ‘દાતે’ડાના દેવતા’નીકવિતામાં પ્રત્યક્ષ થાય છે. આ કાવ્યોમાંથી શબ્દના જે અંગારા ઝબૂકે છે તે કેટલાકને દઝાડે, પણ મને તો એ સ્ફુલ્લિંગ સમા શબ્દો, અગ્નિથી શુદ્ધ અને પવિત્ર બની આવતા જણાય છે. માટે જ મહેનતકશ આ પ્રજાનું દૈવત મને એમાં જણાય છે. શ્રી શંકર પેન્ટરની કવિતાને હું આવકારું છું. સહર્ષ વધાવું છું એટલું જ નહિ તેને વંદન કરું છું. ‘ચ્યમ લ્યા આટલું ફાટી જયું સ ?’ કે ‘કાળીયો ઢોલી’ જેવી કવિતા શ્રી શંકરભાઈના બુલંદ કંઠે સંભળાય ત્યારે આપણા રોમે રોમ ખડા થઈ જાય છે અને કહેવાતી ભદ્ર જ્ઞાતિની મનોદશા સમજાય છે. જે પ્રજાને અડધું વાટલું ડૂવો ઘેંશનો, ચોથિયું રોટલો કે ડુંગળીનો દડો જ – એક ટંક ડોઝું ભરવા મળે છે, એ પ્રજા સમક્ષ ભગવાનની વાત કેમ થાય ? એ સમાજના દુઃખોને વાચા આપતો કવિ દાતે’ડાના દેવતાના અંગારા પ્રગટાવે તે સહજ છે.
ઉત્તર ગુજરાતની તળપદી ભાષા એના સઘળા લ્હેકા સાથે, લય સાથે શંકરની કવિતામાં વણાઈ ગઈ છે. શ્રી શંકરભાઈની કાવ્યરચનાઓ, આ લોકબોલીના શબ્દે મઢાઈને આવી, નવી રૂપરચનાઓ પ્રસ્તુત કરે છે. શ્રમજીવીઓની આ નિત્યલીલા તાતાતીર સમી જબાનમાં કવિએ પેશ કરી છે કે તે સદાય સ્મરણીય રહેશે.
કુણ સ્ તારૂં  કુણ સ્ તારૂં
ધારૂં તો ’લ્યા ઠેર મારૂં
ચ્યમ્ ’લ્યા  આટલું ફાટ્ટી જયુંસ્ ?
મારા હોંમું હેંડતઅ્ હાળા
લગીરય્ તનઅ્ બીક ના લાજજી !’
અથવા
કાળા લોહીથી ધરતી લથબથ
કાયમથી રંગાતી
સદા જુલ્મના બોજે મરતી
અમ મુડદાલ ઝાડુ જાતિ
આવી તો કેટલીય પંક્તિઓ અવતરણક્ષમ છે. આ પ્રજા ક્રાંતિનો નાદ ગજાવે, બૂંગિયો વગાડે અને તેના ‘લેવા હક્ક અધિકાર’ તડપે, અને ‘ઘેરથી નીકળી સડકો પર આવવા’ હાકલ કરે તે સ્વાભાવિક છે. જુલ્મગારોના જુલ્મો સામે ‘મુક્કો’ ઉગામે અને ‘વિજયસવારી’ માટે બડભાગી થાય તેમાં નવાઈ શી ?
ભાઈશ્રી શંકર પેન્ટરની કવિતાથી હું કેટલાય વર્ષોથી પરિચિત છું. તેમની પાસે વેદનાનો મબલખ વારસો છે, તેને શબ્દબદ્ધ કરી, કવિ એક ક્રાન્તિ સર્જી, સમાજમાં નવરચનાનું સ્વપ્ન સેવે છે. શંકરે હળાહળ વિષ કંઠે ધારણ કરી, જગતમાં શિવ તત્ત્વ ને પ્રસરાવ્યું છે. ભાઈ શંકર પેન્ટરની કવિતા શિવતત્ત્વને પણ જન્માવશે એવી શ્રદ્ધા સાથે આ કાવ્યસંગ્રહને હું સહર્ષ ગુર્જર સાહિત્યક્ષેત્રે વધાવું છું.
અનુકંપાથી પ્રેરિત આ સાહિત્ય નથી. હજારો વર્ષની વેદનાઓને અભિવ્યક્ત કરતું આ સાહિત્ય છે.
મારે તેને દલિત સાહિત્યનું ‘લેબલ’ લગાડવું નથી. સાહિત્ય માત્ર સંવેદનામાંથી જન્મે છે. શંકર પેન્ટરની ‘દાતે’ડાના દેવતા’ની કાવ્ય રચનાઓ આવી સંવેદનાઓમાંથી જન્મી છે અને સાચા સાહિત્યની સૃષ્ટિ સરજાવે છે. ઊજળિયાતો પોતાની ગ્રંથિ ત્યજે, દલિતો માટે ‘હાળા બહુ ફાટ્યા છે, લાગ આવ્યો છે તો ખબર પાડી દો’ એવા મિથ્યા દેકારા બંધ કરી ગુણાત્મક પરિવર્તન આણે, પોતાના ભિતરમાં ડોકિયું કરી, અંતરાત્માને જગાડે.
દલિતોના પેટે અવતર્યા વગર, દલિતોની વેદનાઓ આપણે નહિ સમજી શકીએ, છતાં આવા કાવ્યસંગ્રહો દ્વારા તેનો થોડોક પરિચય કરી શકીશું. અંતરાત્મામાંથી પ્રગટતો શબ્દ કાવ્ય બને છે. શંકરભાઈના અંતરાત્માના શબ્દ સમો આ કાવ્યસંગ્રહ, ઊજળિયાતોને આત્મ નિરીક્ષણ કરવા, દલિતભાઈઓને જાગૃત કરવા પ્રેરશે તો આ દાતરડું માણસાઈનો, આદમિયતનો પાક લણશે અને તેનો શબ્દાગ્નિ તેના વાચકને શુદ્ધ બનાવશે, એવી મંગલ કામના સાથે, ગુજરાતના અને અમારા આનર્ત પ્રદેશના મેઘાણી સમા આ કવિને સહર્ષ અભિનંદું છું અને જયાં કોઈપણ જાતના ભેદભાવ નથી, જન્મથી કોઈ નીચું કે ઊંચુ નથી, એવા અમારા એકમાત્ર કવિઓ, સર્જકો, સારસ્વતો, સાહિત્યકારોના સમાજમાં ભાઈ શંકર પેન્ટરને સમાન આસને બિરાજવા સ્વાગત કરી, ધન્યતા અનુભવું છું.
તા. ૨-૩-૮૯
વિસનગર

જીતેન્દ્ર અ. દવે
નિવૃત્ત આચાર્ય
સી.સી. મહિલા આર્ટસ – સી.એન. કોમર્સ કોલેજ, વિસનગર (ઉ.ગુ.)
- ‘દાત્તે’ડાના દેવતા’માંથી

No comments:

Post a Comment