Sunday, March 29, 2015

સાવજને સંદેશ

દર્દભરી આ દુઃખિયારીના દુઃખને સૂણજો દીપડાઓ !
ક્યાં સંતાણા સાવજ બચ્ચાં કેર કરે છે ઓલ્યા બકરાઓ ?
“મહાદેવપુર”ના મંદિર માંહી શિવ સેવામાં ગયો ભાઈ તારો,
મસ્તક એનું મળતું નથીને બ્હાર ફરે છે ઓલ્યો પુજારો !
ગામ “સરગાસણ” સીમના શેઢે ઘોડે ચઢીને ચાલ્યો ભાઈ તારો,
ઢોલ ફૂટ્યો ને મરીયો બંધુ તોય આભડનો ના ’આવ્યો આરો !
મીઠાઘોડા ને સઈજગામમાં બેની કેરી લાજ લૂંટે,
વીરો આવ્યો વ્હારે મારી છેલ્લા એના શ્વાસ તૂટે !
પાણી માટે “રણમલપુર”માં કોઠી ભાંગી જાન લીધાં.
કૂકર્મોની કાળી કહાની કાફરોએ લોહી પીધાં,
વીરો મારે “ધૂળકોટ” ગામે પુજા કરવા જાય હાલ્યો.
નાળીયેર બદલે શીષ વધેરી દાનવોએ તેને નીચે ઢાળ્યો,
“ઝાંઝમેર” ગામે કોળી કન્યા જયારે મારા વીરને વરી,
પ્રાણ લીધાં એના પત્થરો મારી ખૂન ખરાબી કરી ખરાખરી !
“થરાદ” ગામે સરપંચ બનતાં વીરો મારો કમોત મર્યો,
ચિત્રોડીપુરામાં ઢાળી લાશને લાશ ડોળે બાળવના શૂળ ભોંક્યા !
“સાંબરડા”માં ગઢવી ગળચે સ્મશાન છીનવી ખેતર ખેડે,
મળ ત્યાગતી દલિત બાઈઓ પર પત્થરાઓનો વરસાદ કરે !
અણલેખી એવી તો ઘણી વેદના દુશ્મન તુજથી નથી ડર્યો !
રામ જેવાએ શંબૂક વીરનું ધનુષ્યબાણથી શીષ કાપ્યું,
ખાંડીવ વનમાં નાગવીરોને ભડકે બાળ્યા ઓલ્યા અર્જુનીયાએ,
આવા આવા તો અનંત યુગથી કાતિલો કાળો કેર કરે !
બેની તુજને કરગરે છે સાવજ સૂત તું કાં ડરે ?
રચનાકાળ ઃ ૧૯૯૩

No comments:

Post a Comment