Sunday, March 29, 2015

ગીત: વિચારધારા ભીમની

  1. આજ આવી છે આંગણે, વિચારધારા ભીમની રે !
    તમો હંપ કરીને હાલજો ભાયો, સામાજિક ન્યાયના માટે રે !
    (સોરઠા)
    આઘેરો છે વાસ, ગામ છેવાડે ઝુંપડાં ;
    અસ્મિતાનો નાશ, એની પળપળ વીંધે વેદના.
    ગાળો કાઢીને વેઠ વતાડે, જીભડી સીવી લે ;
    પગ ગળામાં બેડીયું બાંધી, અમે જીંદગી જીવી રે આજ આવી છે આંગણે ૦
    (સોરઠા)
    કૂવા કઠેડા બ્હાર, માથે મૂકી માટલાં ;
    દીન દુઃખિયાની નાર, ટીંપા માટે ટળવળે.
    નળ પાણીના નોંખા સ્ટેન્ડો દિલને દુઃભવે રે !
    ચકલીઓ તોડી છેક છેડાની બે, મનને મુંઝવે રે ! આજ આવી છે આંગણે ૦
    (સોરઠા)
    બાંધ્યા હોટલ બ્હાર, અલગ ચપણિયા ચાયના ;
    ઉપર હાથે ધાર એ તો રાંકના કપમાં રેડતા.
    બદતર દશા જાનવરોથી યે, માનવી ભોગવે રે !
    કરવી ક્યાં જઈ રાડું ફરીયાદું, સગા સહુ એમના બેઠા રે ! આજ આવી છે આંગણે ૦
    (સોરઠા)
    સાંભળીને આ સાદ, ઉઠજો ભાયો ઉંઘથી ;
    કરવા ક્રાંતિનાદ સહુ એક અવાજે બોલજો,
    દુઃખડાની દવા એક જ સાચી, વીરા સડકે આવો રે,
    સત્તામાં ભાગીદારી માટે કરજે હક્કનો દાવો રે…. આજ આવી છે આંગણે ૦


    રચનાકાળ ઃ ૧૯૯૦

No comments:

Post a Comment