આવો દુકાળીયાના દેશ, જમવા ઠાકર થાળી ;
બળતા બપ્પોરે રાહતકામ, જોવા વનમાળી…!
વરસાદે ત્રણ વર્ષથી, વસમી લીધી વિદાય ;
પશુ પંખીને માનવી, પીડા સહીના જાય.
મરતી ગાયોના ચૂંથે માંસ, પેલા ગીધડા ભાળી ;
આવો દૂકાળીયાના દેશ જમવા ઠાકર થાળી !
આવા ઢોરાં મરતાં રોજના, નજરો નજર મહારાજ ;
આંધી ઉડે આગની, એનો વેઠ્યો જાયના તાપ !
ધરતી તીરાડે પડતી ફાટ, મારા હૈયડાં ચીરતી ;
આવો દુકાળીયાના દેશ, જમવા ઠાકર થાળી…!
હવે છપ્પન ભોગ સપનું ગણો, અહીં જમવાયે નથી જાર ;
કાવો પીવા આવજો, જો ઈચ્છા થાય અવિનાશ.
દૂધ વિના ટટળે નાના બાળ, એ હૈયામાં હોળી ;
આવો દુકાળીયાના દેશ, જમવા ઠાકર થાળી…!
ભીંડા, રીંગણ, તૂરિયા, એવું ય નથી કોઈ શાક,
મરચું વાવ્યું મોહના ! કોઈ કરતો ના કકળાટ,
ખારા પાણીથી બાંધ્યો લોટ, ચારણીમાં ચાળી ;
આવો દુકાળીયાના દેશ જમવા ઠાકર થાળી !
ત્રણ ગાઉના પંથ પર, ચોકડીયો ખોદાય ;
છોરાં ઘાલી કાખમાં, ત્રિકમ, તગારાં સાથ.
હડકાયા બાવળ ખાવા ધાય, એ કાંટાળા ઝેરી ;
આવો દુકાળીયાના દેશ, જમવા ઠાકર થાળી !
સવારથી શ્રમ આદરૂં, સાંજે લોથ વળે મારી કાય ;
આડા અવળા ત્રાંસથી, ખોટ્ટમ્ ખોટા માપ લખાય.
અગિયાર રૂપિયાના ‘છ’ થઈ જાય, ગરીબની દા’ડી !
આવો દુકાળીયાના દેશ જમવા ઠાકર થાળી !
કાગળીયા પર છાંયડા, બળતા બપોરે થાય ;
એ ખર્ચ પડે સરકારમાં, ધોળે દા’ડે લૂંટાય.
સરકારી ચાલે રાહતકામ, ભારે ભ્રષ્ટાચારી ;
આવો દુકાળીયાના દેશ, જમવા ઠાકર થાળી !
રાડ કરે શું નીપજે, જયાં રૂઠ્યો તું દીનાનાથ ;
સરકારી બધી સ્હાયતા, એ દેખાડવાના દાંત !
શંકર ખોવાણો કિરતાર ! ના’વે જમવા થાળી !
આવો દુકાળીયાના દેશ, જોવા હૈયાં હોળી !
રચનાકાળ ઃ- ૧૯૮૫
No comments:
Post a Comment