Saturday, March 28, 2015

તોડ ચપણિયા

તોડ ચપણિયા ‘ચા’ના ભઈલાં,
હાથ હવે ના જોડ !
માંગે ભીખ ના હક્ક મળે,
ઈતિહાસ હવે મરોડ !
ભઈલાં, ‘ચા’ના ચપણિયા તોડ !

બાપ બાપનો બાપ અહીંયા, જીવ્યો કરી કાકલૂદી !
ગાળ મારના જુલ્મ સહ્યા ’લ્યા, તારી હાલત થઈ ગઈ ભૂંડી !
આજકાલ તો હવે છે તારી, અંધકાર પછી પરોઢ !
ભઈલાં, ‘ચા’ના ચપણિયા તોડ !

બામણવાદના ભેજામાં સદીયોથી કચરો સડતો !
નૂતનયુગમાં પ્રતિકાર વિણ, મેળ કદી ના પડતો !
સડી ગળી સંસ્કૃતિના તું દંભી પડઘમ ફોડ !
ભઈલાં, ‘ચા’ના ચપણિયા તોડ !

ધરમ કરમ ને પુનર્જન્મની, વાતો છે હેવાની !
કાયમ તુજને કચડવાની, આ બાજી છાનીમાની !
વર્ણાશ્રમ વાડાબંધીની, ઘોર જલદી ખોદ !
ભઈલાં, ‘ચા’ના ચપણિયા તોડ !

થુવેરીયા કે ઝાડ બખોલે, ફૂટી રકાબી લટકે !
ગામે ગામે હાલત સરખી, આગ ભીતરમાં ભડકે !
હવે નથી તું એક અટૂલો, તારા સાથી લાખ કરોડ !
ભઈલાં, ‘ચા’ના ચપણિયા તોડ !

રચનાકાળ ઃ ૧૯૭૪

No comments:

Post a Comment