Sunday, March 29, 2015

અડાબીડ જંગલનાં અમે અણછોલ્યાં એંધણા: શંકર પેન્ટર


બચપણથી સાહિત્યના અતિ અલ્પ વાંચને હૃદયની અગાધ ઊર્મીઓમાં પ્હેલવ્હેલી આત્મિય મનની અસ્તિત્વ ભૂખ સંતોષાયેલો અમી ભરેલો મીઠો ઓડકાર આવ્યો, મારી નાભિના નાદ્થી ! એ અદ્ભૂત ઓડકાર ભેળો ઉદ્ભવેલો અનહદ ઉદ્ગાર નાદ્ આજે પાંસઠ વર્ષે પણ સ્મૃતિપટે અકબંધ તોળાયેલો એમને એમ જ જળવાઈ રહ્યો છે !
મારી અલ્પ આંતરડીએ મને તે વખતે પુરેપુરો અહેસાસ કરાવ્યો.
‘‘કવિ કલાપી, કાન્ત,
મેઘાણી અને બાઈ મીરાં;
એમના એ કાફલાનું,
હું નાનેરું બાળ છું.’’
એ મહાકવિઓના દિવ્ય સાહિત્યડુંગરે ચઢતાં તેમના ભવ્યાતિભવ્ય ઝૂંડ-કાફલામાં વચ્ચોવચ્ચ પાપા પગલી પાડી હર્ષભેર કિલ્લોલતાં મારા બાલ્ય અસ્તિત્વને નિહાળી હું ઘણી જ ધન્યતા પામ્યો !
વર્ષાના વધામણે જામેલા ગોરંભે મીઠડાં ટહૂકાઓનો મન મોરલો તેનો ‘કેકારવ’ કરતો થન્ થન્ નાચતો સૂરસિંહજી ગોહિલ ‘કલાપી’ મારા એ બાલ્યકાળે હૃદયના ગગન ગોખે મેં કંડાર્યો હતો ! અતિ અલ્પ બચપને જીગરની સલામી અર્પાઈ ગઈ પ્રેમ બેહોશીમાં !
મીઠાં ટહૂકા કરીને મોરલો
ગયો, પ્રેમ દુનિયા થી !
સુણી એ ‘સૂર’ના શબ્દો
સલામી અર્પુ જીગરની !
મારાં સહજ બાળમાનસ્ને મુરલીધરની પ્રેમ દિવાની, મદ્હોશે ઘાયલ મસ્તાની, ખુદમાં ખોવાયેલી મીરાંએ જડોમાંથી એને ઝક્ઝોર્યું ! મેવાડી રાજઘરાના ક્ષત્રાણી મહારાણીના અહમ્ શૂન્ય વ્યક્તિત્વે, અપરંપાર તારલાઓથી મઢાયેલ સંતોના અવ્યક્ત અવકાશમાં પૂર્ણ દૈદિપ્યમાન ઝળહળ ઝળુંબતાં એક માત્ર અચલ ધ્રુવતારા સમાન, શોષિતોની સામાજિક-ર્ધાિમક ચળવળના અગ્રેસર, ચર્મકાર સંત શીરોેમણી શ્રી રોહિદાસજીના ચરણવીંદોમાં થયેલાં અદ્ભૂત અવિસ્મરણીય આત્મ સમપર્ણે !
માનવ સર્જીત મહાપ્રપંચી મનુવાદી પીરામીડી કટ્ટર જાતિવાદી ઝાંખરાઓને વછોડી વછોડી, દલિત દીકરી ડાળલ દે’ને પોકરણ ગઢના મહાપરાક્રમી આદરણિય બાબા રામદેવજી મહારાજાએ, બ્રાહ્મણી લોખંડી વ્યવસ્થા તંત્રમાંથીઅબળા’ અને ‘નબળાં’ શૂદ્રો અતીશૂદ્રો સાથે અંતરનો આત્મિય નાતો જોડી તેમને સમાન આસને બિરાજમાન કરી, મુસ્લિમ કાળે હિન્દુ-મુસ્લિમ કોમી એખલાસ જાળવી ‘હિંદવાપીર’નું મહા બિરૂદ મેળવનાર એક માત્ર બાર બીજના ‘નિજીયા ધર્મ’ના માનવતાવાદી નરબંકા રણુંજાના રામદેવજી મહારાજને સત્ સત્ કોટી પ્રણામ કરી શૂદ્રો અતિશૂદ્રોની મહાપરંપરા નિભાવી, તેમના લીલુડા નેજે અમે બાલ્યકાળે નાચ્યા કૂદયા છીએ !
હિન્દુ વર્ણવ્યવસ્થાના બર્બરક અમાનુષિક અત્યાચારોને એકજ ઝાટકે પરાસ્ત કરવા પાટણપતિ સઘરા’જેસંગે આપેલા રાજયાદેશે, માનવતાવાદી બત્રિસ લક્ષણો દલિત શહીદ નરબંકો ‘મહાવીર મેઘમાયો’ પોતે પોતાના મહામુલા પ્રાણની અવેજીમાં ભદ્ર સમાજે બાંધેલી મુશ્કેરાટ ક્રૂર બેડીઓ, કમરમાં પીઠ પાછળ પોતાના જ પગલાં પોંછતું પગ પાછળ ઘસડાતું ઝાડું, પોતાને થૂંકવા માટે ગળામાં બાંધેલી માટીની કલૂડી, દૂર દૂરથી પોતાના આવવાની અભિવ્યક્તિ કરતી પોશ પોશ પોકાર પાડતી દલિત જીભનું ટેરવું અને પોતાની આગવી ઓળખ છતી કરતી શૂદ્રની સાબિતી આપતી ખભા પર લટકતી વિશેષ વિચિત્ર બાંય ! આવું તો આખા માનવ ઈતિહાસમાં ‘મેરા ભારત મહાન’ સિવાય દુનિયાના પછાતથી અતિપછાત દેશ કે પ્રદેશમાં ક્યાંયે ન્હોંતું ! આ બધું જ કઢાવવા સધરા’ જેસંગને કરારબધ્ધ કરી, પાટણના સહસ્ત્રલિંગમાં માનવતાવાદી વીર તું વધેરાયો ! જયારે મેં બચપનમાં વડવાઓ પાસેથી આ બધો વરવી દલિત વ્યથાનો કંઠસ્થ ઈતિહાસ સાંભળ્યો તો મારું રોમ રોમ, એ બાલ્યચેતના એમના અંતરથી ઓવારણા લેવા અધીરી બની, તલપાપડ બની !
મારા શૈશવ કાળે પ્રાથમિક શાળાએ આપણા રાષ્ટિ્રય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી જેઓ મારી પ્રેરણાનો સ્તંભ, મારા કાળજાની કોર, તેમના મ્હેંકતા ગીતોની અતૂટ સરવાણી છેડતા એ એવા ગીતકાર, જાણે પડછંદા પડઘાઓ પાડતાં શબ્દોનો આભ ઉંચેરો પ્હાડ ! હું અપ્રતિમ ઉર ચાહક બન્યો એમનો ! એ સમયે વાંચેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’ માટે માનવંતા મનના માણીગર મેઘાણીજી ચારણોના નેહડે નેહડે દૈવીપુત્ર શક્તિ ઉપાસક લોકગાયક ગુણિયલ ગઢવીઓના ઘેર લીલાછમ્મ્ ખેતરોના ખોરડે ખોરડે, ગામેગામ પંકાતા પુજાતા ધીંગાણામાં ધરબાયેલા જનોના અડીખમ પાળીયાઓ વચ્ચે લોકસાહિત્યના તલસ્પર્શી અભ્યાસાર્થે રાત-દી ભૂલીને રવ રવ રવડતાં મેં સાંભળ્યા તો મને મળી એમની પ્રેરણાઓથી એક અદ્ભૂત અનુભૂતિ- માનસ્ ચેતના ! મારાં ભઈલા ઓ વચ્ચે ભમવાની, તેમના ઝૂંપડામાં ખરલ્ પર પીસાયેલ પત્થર ચટ્ટા મરચું ને બાજરીનો રોટલો ખાવાની જાગેલી મન ભરી મીઠાશ માણવાની મહેચ્છા !
વર્ણાશ્રમ ધર્મના સામાજિક નર્કાગારમાં જીવતાં મનેખોનો માંયલો ત્યાં પણ મનોમન આક્રંદી ઉઠેલો ! મેં ત્યાં જે કાંઈ દીઠ્યું તે સર્વ મારું દલિત લોકઢાળી ભાવુક લોકગીત બન્યું ! ‘‘ધૂળચી તારી મનઅ્ માયા લાગી’’ મારા ઉરમાંથી ઉઠ્યું ‘‘તું ગામડે મારા આવજે રે હો વિરા મારી વ્યથા જોવા, દુઃખિયાનો ભેરું થાજે રે હો વીરા મારા કલમવાળા.’, શૈ’લ દરવાજે ઢોલકી વાગે’માંથી હૈડે ઉપડ્યું ‘‘આજ આંગણિયામાં બુંગિયો વાગે.’’ સવા બશેરનું મારું દાત્તેડું રે લોલ’’માંથી આંખની કીકીમાં ઝડપાયું ‘‘આવનાર યુગ હવે આપણો’’ પછી તો વણઝાર ચાલી ‘‘ગુમાવવાનું તારે શું છે ?’’, ‘‘તોડ ચપણિયા’’ પેલા ફીલ્મી ઢાળ ‘‘જાગ રે માલણ જાગ’’માંથી ‘‘બાઈ રતનને રંગ’’. મારે તો રચવી’તી શુભ્રતિશુભ્ર સુફિયાણી કવિતા. મારા આધ્યાત્મિક ગુરૂ દલિતકવિ સંત વૈધરાજ સ્વામી લક્ષાનંદજી ‘વેદાંત કેશરી’ પાસે હું શીખ્યો તો કવિ દલપત છંદ  પીંગળશાસ્ત્ર. મારે તો રચવા’તા પ્રાસ-અનુપ્રાસ, લઘુ-ગુરૂ, છંદ-ઉપછંદ, રેખતાઓ ને રૂપકો મારે તો માપવી’તી ચોવીસ માત્રાઓ, ૧૪ લીટીના સોનેટો, ઘાટ, રૂપ, અરૂપ, સ્વરૂપ અને ૩૬-૨૪-૩૬ સુપરિચિત સૌંદર્યમૂલક છંદોગ્ધ ફોર્મ્યુલા મારે તો રચવીતી ભૌભૂમિતિક અવનવી વિધવિધ હૃદયસ્પર્શી વ્યંજનાત્મક આકૃતિઓ. પરંતુ ‘‘ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જયુંસ્’’ મારી કલમના લમણે જ ઝીંકાણું. હવે બધું જ મને અકારમું અને અકળામણું લાગ્યું. મારે સંવેદનાઓને એવી તો ઘૂંટવી’તી કલાતત્વની ઉત્કૃષ્ઠ વિભાવનાઓની સાથે. પરંતુ એ બધું જ મને વામણું અને નકરા વેવલાવેડા જેવું જ ભાસ્યું ! મને થયું મારે હવે કોઈ કવિ-બવી કે સાહિત્યકાર-બાહિત્યકાર નથી બનવું ! મારી દર્દનાક અગાધ સંવેદનાઓની અમાપ અભિવ્યક્તિને સઘળાં લલિત સાહિત્યિક વિધિવિધાનોને નિયમ-નિયમાવલીઓથી અલિપ્ત મુક્ત ગગનવિહારી પક્ષીની જેમ કોરા કાગળે એ વેદનાઓ સીધેસીધી ઉતારવી’તી. હા, હવે મારે મન એ જ ઉત્તમ્ ! કદાચ જોગસંજોગે અનાયાસે અમારાથી રૂપવિધાન કે ઘટના વિભાવનાના ઝીણા પ્રયોજાતા નકશીકામમાં ક્યાંક કલાત્મક કાંતણ ગૂંથણમાં જો કોતરાઈ જવાય તો કોઈ રૂઢીવાદી માલેતુજાર સાક્ષરના સાહિત્ય શો-રૂમમાં ‘એન્ટીક પીસ’ બની આખું આયખું પેલા ફુલણશી રીંગણા ચોર જલા તરવાડીઓ’ જેવું આત્મશ્લાઘી અહમ્ પ્રાપ્ત કરી ક્યાંક પુરાઈ કે વેચાઈ જવું ના પડે ? આજે પોતાને જ દલિત સાહિત્યનો પીંડ બાંધનાર સમજનારાઓ, દલિત સાહિત્યની પાંચ વિભાવનાઓમાં પહેલી વિભાવના વર્ણાશ્રમ-અસ્પૃશ્યતાનો સંઘર્ષમય વિરોધ ભૂલી દલિત સાહિત્યના પ્રસ્થાપિત, પ્રારંભિક પ્રણેતાની પાગલની જેમ જાતે જ ખોટી ને મોટી શેખીઓ મારતાં બાલીશ બૂમરાણોને ઢોલ પીટતાં લલિત સર્જકો વચ્ચે ટકી રહેવા કોઈકની નવીન કૃતિઓમાં પોતાની અસ્તિત્વ નોંધો લખાવતા નિષ્ફળ હેવાનિયત ભર્યા હવાતિયાં મારતી બેવકૂફોની દયનીય ડફોળ દશામાં હાડ્ફીટ થવાનું કે હાડ્ હોડ્ય્ થવાનું ભાઈ મને તો શરૂથી જ જરાય મંજૂર નહોતું ! શું અસહ્ય કાળજાને કોરનારી પળપળ દુભાતી લાગણીસભર વરવી વેદનાઓ અલગ પ્રસ્થાપિત લલિત સાહિત્યના ત્રાજવાં કાટલાં કે ભૌગોલિક સાધનોવાળી મેજરમેંટ, કાટખૂણા, પરિકરોના આગવા માપદંડોથી મપાય કે તોળાય ખરી ?
નાભિમાંથી ઉઠતો નિર્મળ નાદ્ સ્ફૂરણાના શિખરે શબ્દરૂપે સ્ફૂલીંગેે એજ સાચ્ચી કવિતા / સાચ્ચું સાહિત્ય એમ મારું નમ્ર માનવું છે ! એવી કવિતા લોકભોગ્ય પણ બને અને જેના માટે તે લખાયું છે તે લોકો હોંશે હોંશે વધાવે. તેનાથી ઈર્ષા કરી તે દલિત સાહિત્યને નાશ કરવાના પેંતરા-પત્રો ના લખાય !
વર્ગવાદ અને વર્ણવાદ, વિષમતામૂલક કારમી શોષણ વેદના કોઈપણ સર્જકના કાળજામાં તેનો મર્મસ્થળે બરાબર ઘા ઝીંકે તે જ ઘડીએ તેનું અંતસ્-મર્મસ્થળ સોંસરું ભેદાય તો એ સાચા સંવેદનશીલ સર્જકને પોતાના કર્તવ્યબોધનો સંપૂર્ણ અહેસાસ તે જરૂર કરાવે ! અમારો શોષિત પીડિત આત્મ ગૌરવહીન સમાજ ફક્ત ગમે તે ભોગે જીવવાની ઘોર જિજિવિષા ખાતર જ બધું જ સહન કરતો અને નિષ્પ્રાણ નિસ્તેજ જીવતો આવ્યો છે તે કોઈપણ સ્થિતિને સ્વીકારી સ્વમાનહીન સમાધાનને શોધતા એ રાંકડા સમાજને સાબદો કરવા શબ્દરૂપી વાંકી વળેલી અગ્રભાગે અણીયાળી એક હાથે કાષ્ટ દંડી ગ્રહી, વચ્ચે અંદરથી પોલાં અને બન્ને તરફથી ચુસ્ત કલાત્મક ચામડે મઢેલા રંગબેરંગી ફુમતાઓથી ઝુલાતા અને સતત પીટાતાં રહેતાં લોકજાગૃતિના સબળ માધ્યમ ધીંગા ધૃબાંગાતા બૂંગિયા ઢોલ પર સંવેદનાઓની પડછંદ થપાટો દ્વારા મેં પણ માર્ગ મેળવ્યો. આપત્તિઓનો એક માત્ર ઉપાય એ સંક્રાતિકાળમાં ઊંઘતા જનસમૂહને જગાડવા માટે, દલિત બાંધવોની કરવટો બદલાવીને તેમને પ્રગાઢ નીંદરવામાંથી સફાળા ઉઠાડવા માટે, પ્રતિબધ્ધ દલિત કવિતાઓ અને ગીતોનો કાળજુ ચીરતો ‘‘બૂંગિયો’’ ગજવવાનો !
લોક ઢાળ, લોક લય, લોક બોલી,લોક લઢણ અને લોકગીતોની ચારુતાને દલિત પરિવેશમાં કવિતા, ગીતોના મર્માળુ માધ્યમથી બૂંગિયાના મહારૂઢ તાલ દ્વારા સતત્ તેના તાંડવ નાદ થી ! ભાવકને આરપાર વીંધતા એક અવનવા અભિયાન થી ! હૈયાના ગોખમાં જેવું જેવું જેમ જેમ ઉકલ્યું તેમ તેમ તેના અમૂર્ત કાવ્યત્વ (છહ્વજંટ્ઠિષ્ઠં ર્ઁીંિઅ) બોધને મૂર્ત સ્વરૂપ બક્ષવાનો વિનમ્ર અલ્પમતિ પ્રયાસ મેં આદર્યો. મારી ૧૯૬૧થી છૂટી છવાઈ, પ્રગટ-અપ્રગટ દલિત સંવેદનાઓ, આક્રોશને અતિક્રમીને વણાયેલ કૃતિઓ સને૧૯૮૪માં સક્રિય દલિત સાહિત્ય સંઘ – ગુજરાત દ્વારા પ્રકાશિત પ્રથમ પ્રતિબધ્ધ દલિત કાવ્ય સંગ્રહનું વિશિષ્ટ નામકરણ થયું ‘બૂંગિયો વાગે !’
આ સારા યે દેશમાં માંડ સાડા ત્રણ ટકા બ્રાહ્મણોની સંસ્કૃતિમાં અતિ ઉંડાણે તળીયાના પાયામાં સદીયોથી ખારમાં ખવાયેલ જર્જરીત ધર્મ ઈંટો વચ્ચે ધરબાયેલા, દટાયેલા, નિર્દયતાપૂર્વક રહેંસાયેલા અમાનુષિક અત્યાચારો વેઠતા મૂંગા માણસો અને તેમની જ વચ્ચે જીવતો કલમકાર તેમને અનુભવાતી વાસ્તવિક અનુભૂતિને સૌંદર્યમૂલક કલા શાસ્ત્રની (છીજંરીંૈષ્ઠૈજજદ્બ) ભાવસૃષ્ટિ (છદ્બહ્વૈીહષ્ઠી) સંઘટનતંત્ર     (છષ્ઠિરૈંીષ્ઠર્ંહૈષ્ઠજ) કે કસબ (છિંૈકૈષ્ઠી) કલાવિભાવના, રૂપક, પ્રતીક, કલ્પનો, પ્રતિરૂપો, ઉત્પ્રેક્ષા, અર્થ કે ગોપનકળા અને અવનવા વિશિષ્ટ તરાહના પ્રયોજાતા બહુ આયામી પ્રયોગાત્મક શૈલીના અદભૂત, અલંકારો શોધી શોધીને પંડની પીડા વેંઢારતો સર્જક કેવી રીતે અભિવ્યક્ત કરી શકે ?
‘અડાબીડ જંગલના અમે અણછોલ્યાં એંધણા’ના આ ફાટ્ટેલા તીક્ષ્ણ ફાચરાઓ કે વણ છોલાયેલ તીણી વેદના અર્પતી મહાશૂળો કે તીણાં ચીત્કાર બોલાવતાં તીક્ષ્ણ ઝીણાં કાંટાઓ, ઉઝરડતા કંથેર ઝાળાંઓ ભલે ભાવકને ક્યાંક બિન સમજે ભોગવાય કે તેની મનસ્થિતિને થોડુંક ઉઝરડે એ મારા ભઈલાઓની વેદનાઓ આગળ બહુ ઝાઝી ચિન્તાગ્રસ્ત વેદનાઓ નથી !
આ અમે ‘‘અણછોલ્યાં એંધણાં’’ કોઈ અડાબીડ માથોડાઓથી ઊંચી થુવેરીયાઓની સઘન વાડો વચ્ચેથી અમારી કોઈ ગ્રામ્ય દલિત માતાના સુક્કીભઠ્ઠ કર્કશ ચામડીવાળા હાથના મજબૂત પંજામાં કુહાડીના હાથોમાં ખેંચાઈને પહોંચીએ તો, તેના ગામ છેવાડેના અંધારીયા ભેંતડાઓ વચ્ચે છાણ માટી લીંપ્યા ચૂલે-ચોકે, કો’ક કુંભારની ઘડેલી માટીની તવી પર, કાચ્ચા ટીપાઈ ઘડાયેલા બાજરી, જુવારના ગોળ રોટલાને એ તવી નીચે ચૂલામાં ભડ્ભડ્ બળતાં અમે અણ છોલ્યા એંધણા સંપૂર્ણ રાખ બની તવી પરના કાચ્ચા રોટલાને પાક્કો શેકીે, અમારાં ભૂલકાં દલિત ભાઈ બેનડીયુંની ભૂખથી પ્રદિપ્ત જઠરાગ્નિને જરૂર પરિતૃપ્ત કરી શકીએ !
અમારા પ્રતિબધ્ધ દલિત કવિઓના / પ્રતિબધ્ધ દલિત સાક્ષરોના સ્ફૂરીત સંવેદનોમાંથી પ્રગટતાં આ ‘અણછોલ્યાં એંધણા’ જેવી અણઘડ કવિતાઓ / સાહિત્ય કૃતિઓ / ગીતો / કલ્પનો કોઈ શબ્દ કાષ્ઠ શિલ્પી સર્જકો, પારખુ મર્મજ્ઞો, વિચક્ષણ વિવેચકો, સાહિત્ય સાધક સાક્ષરો કે ભાવુક સાહિત્ય રસિકો તેમના તુલનાત્મક ‘સંઘેડા’ પર અમારા અંગ અંગના અયોગ્ય આવરણો ઉતારી તેને યથા ભોગ્ય ઘાટ અર્પી ક્યારેક કો’કના જીવાતા જીવતરમાં કોઈ જીવન ઉપયોગી સાધન સામ્રગી ર્નિિમત કરે જેનાથી વિષમતામૂલક આ ર્ધાિમક અભદ્ર સમાજ રચનામાંથી વર્ણવાદ કે વર્ગવાદ હરહંમેશને માટે ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ જાય તો આ લોકભોગ્ય ‘‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’’ લેખિનીનો ભયો ભયો.
અમારે ક્યારેય પણ કોઈ વર્ગવાદી અઢળક માલેતુજારોની ઉંચી મેડીએ કે વૈણ્યાં વૈણ્યથી અભડાઈને નાકનું ટેરવું ચઢાવતાં ભદ્ર મનુવાદીઓના રૂપાળા દિવાન ખંડોએ તેના કાચના કબાટે કાયમના માટે ‘‘શાૅ પીસ’’ ના માફક પુરાઈ જવાની લગી રે ખેવનાઓ કે અભરખાઓ અમને નથી !
આ સંગ્રહ ‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ એક અનોખું સાહિત્યિક વ્યક્તિત્વ ધરાવતા આદરણિય દલિત કવિમિત્ર શ્રી સાહિલ પરમારે પોતે ‘આવકાર’ આપતાં ‘આખા બોલા અખા અને મેઘાણીના વારસદાર’ શીર્ષક તળે ગુજરાતમાં દલિત સાહિત્યના પ્રારંભિક કાળની યથાસ્થિતિ વર્ણવી દલિત સાહિત્યના સાચા ઈતિહાસને યાદ કર્યો છે. તેમનો હું અત્યંત આભારી છું.
આ સંગ્રહને ‘વિદ્રોહમૂલક દલિત કવિતા’ શિર્ષક તળે પ્રસિદ્ધિ કવિતાઓની ‘શબ્દશલ્ય ચિકિત્સા’ સુપેરે કરનાર સાહિત્યના વિશિષ્ટ વિવેચક ડાૅ. ભરત મહેતાનો વિશેષ ઋણી છું.
ટાઈપ સેટીંગમાં ખૂબ જ કાળજી લઈ અક્ષત ગ્રાફીક્સના શ્રી મનોજ પરમારે (તંત્રી શ્રી દલિતચેતના) ઘણું સરાહનીય કાર્ય બજાવ્યું છે તેમનો તથા મુદ્રક શ્રી ગણેશ ઓફસટનો સુંદર છપાઈકામ બદલ આભારી છું.
‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ સંગ્રહ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન તરફથી પ્રકાશિત કરનાર પ્રમુખ શ્રી ડાૅ. મોહન પરમારે જો વિશેષ કાળજી ના લીધી હોત તો પ્રકાશન ખરેખર અશક્ય બનત. તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
અમારા દલિત સાહિત્યના ભિષ્મ-પિતામહ સ્વ. જોસેફ દાદાને ભાવભરી સ્મરણાંજલિ આ સંગ્રહ નિમિત્તે એમની વાતથી અર્પું.
‘‘શંકર, તારા ગીતોને કોઈના ઝાઝા બોલની જરૂર જ નથી. તારી કવિતાઓ, ગીતો જ તેનું સાચું હાર્દ કહી દે છે. આયુષ્યમાન બાંધવ શંકર, તારો સર્વત્ર સ્વીકાર હો…’’
‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ એ તળપદાં શીર્ષક તળેની અત્યાર સુધીની પ્રગટ-અપ્રગટ તમામ રચનાઓને સમાવિષ્ટ કરતો મારો પ્રતિબધ્ધ દલિત કાવ્યસંગ્રહ છે. કોઈક કાવ્યકૃતિમાં અતિ ઓળંગી આક્રોશમય અભિવ્યક્તિ જરૂર હશે ! જેમના માટે જે એન્ગલથી જેમનું તેમ વૈખરીએ આલેખાયું છે તે મારા બાંધવો મારી ક્ષમાયાચના સ્વીકારી ‘હૈડાંના હાચ્ચા હેત ઉમળકે’ સ્વીકારશે તેવી અંતરની અભિપ્સાઓ સાથે, બસ.’’

જયભીમ સાથે
‘મારા લોકો વધાવે એ જ હાચ્ચું !’
શંકર પેન્ટરના વંદન
સાથે
જય ભીમ જય ભારત

No comments:

Post a Comment