૮૧, ’૮૪ના અનામત આંદોલન સમયે વર્ણાશ્રમપ્રથાનો એરૂ દલિતોને ફરી ફરી આભડ્યો ત્યારે નવશિક્ષિત દલિતોએ પોતાની પીડામાં કલમ ઝબોળી હતી. તાજા લોહીના ટશિયા ફૂટેલી એ કવિતા ડંખીલી હતી. આક્રોશપૂર્ણ હતી. શંકર પેન્ટરની ‘બૂંગિયો વાગે’ની કવિતા એ ગાળાની હતી. હમણાં હમણાં દલિત સાહિત્યમાં ‘સમરસતા’ના બહાને થોડી ઠાવકાઈ આવી ગઈ. દલિતો, સામાજિક ઉપરાંત ર્આિથક દલિતો, વધ્યા છતાં વૈશ્વિકરણના આ માહોલમાં એ આગ પ્રજવલિત બનવાના બદલે ઠંડી ઠંડી બનેલી લાગતી હતી. ત્યાં જ મારા હાથમાં ‘હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા’ સંગ્રહ આવતાં જ એ વિદ્રોહમૂલક દલિત કવિતાએ જન્માવેલાં અનુરણનો પુનઃ ગુંજવા માંડ્યા. એ અનુરણનોનું સરવૈયું અહીં રજૂ કરું છું.
વર્ણાશ્રમ વ્યવસ્થાનો નકાર, એની સામે પ્રચંડ વિદ્રોહ, એ માટે જવાબદાર ધર્મસત્તાને પડકાર, પદદલિતવર્ગને સામાજિક અન્યાય સામે લડવાની પ્રેરણા આપવી એ દલિત સાહિત્યનો હેતુ છે. ત્યાં દલિતપીડિતવ્યથા મુખ્ય છે, સાહિત્ય ગૌણ છે. શુધ્ધ કળાસૌંદર્ય અનુભવ એ દલિત સાહિત્ય માટે અનિવાર્ય શરત નથી. સાહિત્ય અહીં સામાજિક આંદોલન માટેનું સાધન છે. નર્મદને સુધારાના સૈન્યનો કડખેદ બનવાનું પસંદ હતું એમ દલિત સર્જકને પણ છે. તેથી કળાસ્પર્શના ઈશારામાત્રથી એ પોતાના ધ્યેય તરફ ગતિશીલ છે. પ્રચારાત્મકતા એ અહીં કળાદોષ નથી. શંકર પેન્ટર ગુજરાતી દલિત કવિતાના આદિકવિઓમાંના એક છે. આ એમનો સંર્વિધત નવો સંગ્રહ દલિતતત્ત્વથી સભર હોઈને એ અર્થમાં એમની રચનાઓ ખરી ઉતરે છે. ‘સીધી સી બાત, ન કોઈ મિર્ચમસાલા. કહેતા હૈ જો કહનેવાલા’ની વાચકને અનુભૂતિ થાય છે. માત્ર દલિત સાહિત્ય જ શા માટે ? ગાંધીયુગના ઘણા કવિઓએ મુખરતાનો રંગેચંગે સ્વીકાર કર્યો હતો. સનાતન જ નીપજાવવાના ચાળે ચઢેલાઓએ બાવાના બેય બગાડ્યાનો તાલ કર્યો છે એ આપણે ક્યાં નથી જાણતા ? અમર કવિતાના, રવીન્દ્રકવિતાના ચાહક મેઘાણીએ આ અર્થમાં જ પોતાની કવિતાને "યુગવંદના" ગણાવી સીમિત પણ પ્રસ્તુત હેતુનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. કાળના અનંત પ્રવાહમાં મારો ભાવક જન્મવાનો બાકી છે એવી શેખી માનનારાઓ બધા જ કંઈ ભવભૂતિ નથી હોતા ! કહેવાનો અર્થ એટલો જ છે કે આ સંગ્રહની રચનાઓ મહાન કવિતા નથી, અમર કવિતા નથી પણ આજની ઘડીએ જરૂરી એવી કવિતા છે. એની પ્રસ્તુતતા એનો વિશેષ છે.
આ પ્રાસંગિકતા શી રીતે પ્રવેશી છે ? ૧૮૫૭નો વિધિવત્ ઈતિહાસ તો પછી લખાયો પરંતુ દસ્તાવેજની વિપુલ સામગ્રી સાહિત્યરૂપે સચવાયેલી છે. ૧૯૪૭ના ભારત વિભાજનનો જેટલો ઈતિહાસ સાહિત્યસામગ્રી પાસે છે તેટલો શાસ્ત્રીય ઈતિહાસ પાસે નથી. એ રીતે રોજબરોજ થતા દલિત અત્યાચારોનો અહીં કાવ્યમય દસ્તાવેજ છે. દલિતપીડન અને પ્રતિરોધ બેઉને અહીં પદ્યદેહે સંગ્રહયા છે. કાયદેસરના ઈતિહાસો કદાચ એને ઢાંકી ઢૂંબી દે તો આ કવિતાઓ એ દુઃસ્વપ્નભરી ઘટનાઓની અને એના પ્રતિરોધની સ્મૃતિને જાળવશે. ’૮૧માં અનામત આંદોલન વખતે મહેસાણાના જોટાણા ગામે જયારે દલિતવાસ પર હુમલો થયો ત્યારે રતનબહેને ગોફણગોળાથી સામનો કરેલો એ ‘બાઈ રતનને રંગ...’ કાવ્યમાં ઝિલાયો છે. મેઘાણીના ‘શિવાજીનું હાલરડું’ના ઢાળમાં ‘સાંબરડાના હિજરતીઓને...’ કવિએ વાચા આપી છે. લોકઢાળને ખપમાં લઈને ઈતિહાસને સુદૃઢ કરી આપવાની કવિની પ્રયુક્તિ ‘સાવજને સંદેશ’ કાવ્યમાં પણ છે. મહાદેવપુર, સરગાસણ, મીઠાઘોડા, સઈજ, રણમલપુર, ધૂળકોટ, ઝાંઝમેર, થરાદ, ચિત્રોડીપુરા, સાંબરડાના દલિત અત્યાચારો આ કવિતામાં દસ્તાવેજરૂપે પદ્યદેહે સચવાયેલા છે. એ દસ્તાવેજો સમાચારોમાં ઢંકાઈ ગયા છે પણ આ કવિતામાં ઉઘાડેછોગ નોંધાયેલા રહેવાના. દલિતલક્ષી કાર્યક્રમોની થયેલી વલે ‘પંચાયતની પોપલીલાઓ...’માં જોવા મળે છે. ‘મહાડ સત્યાગ્રહ’ કાવ્યમાં ભીમરાવ આંબેડકર દ્વારા ચલાવેલી અૈતિહાસિક લડતનો દસ્તાવેજ છે. એક વેળાએ ગાંધી કેન્દ્રિત કાવ્યોની ગાંધીયુગમાં લ્હેર ચાલી હતી. દલિતજાગૃતિ પછી આંબેડકર કેન્દ્રમાં આવે છે. આ સંગ્રહમાં ‘ભીમ કવિતા’નું નોખું પાડી શકાય એવું કાવ્યજૂથ મળે છે. ‘બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો...’, ‘વંદન છે ભીમરાવ...’, ‘અમે ભીમતણા છીએ બંદા’, ‘કેમ ભૂલે બાબા ભીમને...’, ‘વિચારધારા ભીમની રે...’ વગેરે ગીતો લોકસમૂદાયમાં ઉન્નત વિચારો પહોંચાડવા માટે ખપમાં આવે છે. ‘જાગજો રે જાગજો’, ‘જાગો નવજુવાનો’ આવા જ પ્રેરક કાવ્યો છે. દલિતવસ્તીમાં થતાં કાર્યક્રમોમાં આવા ગીતો દ્વારા દલિતજાગૃતિનું કામ કરી શકાય. ઔપચારિક શિક્ષણથી વંચિત બહુજન સમુદાય માટે આવા ગીતો પ્રેરક બની શકે છે. જિંદગીની રોજબરોજની ચાલતી લડતમાં આવા ગીતો ભાવકને જીવનબળ પૂરું પાડે છે. આવા કાવ્યોનું મૂલ્યાંકન કવિતાકળાના ધોરણે કરવામાં ભીંત ભૂલ્યા જેવું થશે.
મેઘાણીએ જેમ પ્રચુર લયમાં ‘ચારણકન્યા’નું તેજસ્વી રેખાચિત્ર પરોવ્યું છે તેવું જ અહીં ‘કાળિયો ઢોલી’ કાવ્ય છે. આમ, રતનબહેન કે કાળિયા ઢોલીથી માંડી મેઘ માયા કે આંબેડકર સુધીની કવિતા અહીં છે. ગળાની કુલડી અને પાછળનું ઝાડુ નાબુદ કરાવવા, સિદ્ધરાજ જયસિંહને રીઝવવા બલિદાન આપતા વીર મેઘ માયાને કવિએ એકાધિક વાર યાદ કર્યા છે. માનવ અધિકારના એ લડવૈયાનો ઈતિહાસમાંથી એકડો કાઢી શકાશે નહીં. પાટણના એ શહીદને આજે ક્યાં યાદ કરાય છે ?
‘આજે
એ સૂક્કા-ભઠ્ઠ સરોવરનું
પ્રાચીન સ્થાપત્ય જોવા
દેશ પરદેશથી આવનાર આગંતુકોને
‘માયાટેકરી’નો ભવ્ય ઈતિહાસ
કોણ કહેશે ?’
એમની આવી કવિતા હાંસિયામાં ધકેલાઈ ગયેલા દલિત ઈતિહાસને રેખાંકિત કરવા મથે છે. તેથી ઈતિહાસ સાથે કવચિત્ કલ્પનાને ભેળવે પણ છે. ગાંધીજીએ પોતાનો આગામી જન્મ ભારતના વાલ્મિકીકુટુંબમાં ઝંખ્યો હતો. જો, આમ થાય તો શું થાય ? તેનું રસપ્રદ ચિત્ર ‘આવનારો યુગ હવે આપણો...’ કાવ્યમાં મળે છે. ગટરમાં ઊતરતો મોહન મેહતર બીજા અવતારે આંબેડકરને પૂરેપૂરા સમજયો હોત !
દલિતોની જાગૃતિ માટે આવી કવિતા કાર્યસાધકપ્રવૃત્તિ છે. તળપદી બાનીના જોમમાં ભૂતકાળને વેઠી લેવાને બદલે ફેંકી દેવા કવિ આહ્વાન કરે છે. ‘ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જયું સ ?’ જેવી કવિતા સવર્ણનો સત્તાધારી યુગયુગાન્તરથી ગુંજતો સવાલ છે. દલિત કવિતાની એ પહેલી સ્થિતિનું નિદર્શન છે. ‘બકવા બેટ્ટા બંધ કરી દો...’એનો પ્રકોપમય સબળ પ્રત્યુત્તર છે. આ આક્રોશ, વિદ્રોહ અસહ્ય પીડામાંથી જન્મ્યો છે. પ્રેમચંદજીની ‘પૂસ કી રાત’ વાર્તાની યાદ આપતી શંકરની આ ત્રીજા નેત્રની પ્રસાદી જુઓ ; દલિત કવિતાની બીજી સ્થિતિનું નિદર્શન.
સાંજના વાળુ કરીને
છેક ભળભાંખળા લગ
પોષની આ કડ્કડ્તી ટાઢ્યમાં
ફોંનસ્ ના આ ટમ્ટમતા અજવાળે
આશીરાત ફડ્ફડ્તા કાળજે થર્થર્તો
પોંણોત્ માં મંડ્યો’તો
ઉઘાડા પજે ઢેંચણ ઢેંચણ ગારામાં
વાંકા વળી
પાવડાનઅ્ અનઅ્ બાવડાન્
પળપળ પણ જંપવા દીધા નોંતા
તાંણ મારી કેડ્યોના મંકોડાય્
જવાબ આલી જયા...
કૂકડો બોલ્યો ના બોલ્યો
માંડ મુએ ઢાંકણાં વાસ્યાં
તરત જ
હોમાં શેઢે થી
શેતરના માૅંટીની પાસી મ્હોંકણ્ મંડઈ
આ મારા અકડઈ જેલા હાડકાય
પણ પાહુ ફરવાની મન્ ના પાડસ્
ઈને તો હોંમા શેઢેથી જ ગાળોની ઠોળો ઉડાડી
કેસઅ્ આ ભેંશોને આંયથી આઠ ગઉ આઘા ગોંમે
દિયોર્ હાલન્ હાલ મેલી આય્
નકર તારું ચોંમડુ ઉતારી નાસે
ઓ ઉપરવાળા
ચયા જનમના પાપે તુંએ અમોને
આ દોઝખમાં નાસ્યા સઅ્ !
હવ્ તો આ લગી...ર..ય.. જીરવાતું નથી.
’લ્યા ભૂંડા !
ગાળો કાઢવી હવઅ્ બંધ કર
તન હાથ જોડું સુ,
ભઈલાં તારા પગે પડું સુ ’લ્યા
નકર
જોયો આ પાવડો નઅ્ તારો બૈડો
તારી માં ફાડી નાસે !
(શેતરના માૅંટીની મ્હોંકાણ)
સપાટ બયાની, કેવળ અભિધાથી કાવ્ય સિદ્ધ થયું છે. તળપદી બાનીમાં કાવ્યનાયકના મનોગતને જ વાચા આપીને કવિએ વિસ્ફોટ કર્યો છે ; છતાં આ કવિતા કેવળ નમૂના દાખલ છે. તળપદી કાવ્યબાની કવિને એવી તો હસ્તગત છે કે અલગ લેખનો વિષય પણ બની શકે તેમ છે. નાનકડા રૂપકો સરળતાથી સંદેશ પહોંચાડે છે.
મળી સળીઓની નાત,
બની ઝાડુની જાત,
રાખી કાયમ પછાત,
હવે રહેશે નહીં !
કદી રહેશે નહીં !
(‘ક્રાંતિનો નાદ)
‘વેઠિયા મજૂર’ જેવી કવિતા સામાજિક બહિષ્કૃત જ નહીં પણ વ્યાપક સર્વહારાનો નિર્દેશ કરે છે. સાવ સાદી પંકિતમાં મૂડીવાદી અર્થનીતિને પર્દાફાશ કરી મૂકે છે.
‘કાયદાઓ કરનારાને તોડનારા કોણ છે ?
ગરીબોના દેશમાં આ ગરીબો તો ગૌણ છે !’
કાળી મજૂરી સામે થોડા વળતરનું ચોટદાર બયાન ‘ઊગે સૂરજ, ડૂબે સૂરજ’ જેવી કવિતામાં થયું છે. સુદરમ્ જયાં લગી અરવિંદમાર્ગી ન બન્યા ત્યાં લગી એમની પાસેથી વાસ્તવધર્મી કવિતાઓ મળી હતી. ‘કોયો ભગત’ ગુજરાતી કવિતાની પહેલી જીીષ્ઠેઙ્મટ્ઠિ અભિવ્યક્તિ હતી. એ પરંપરામાં, મેઘાણીની ‘આવો દિલદાર’ની પરંપરામાં શંકર પેન્ટર ઈશ્વરને પણ અડફેટે લઈ લે છે. દુષ્કાળનું વ્યંગસભરચિત્ર મેઘાણીએ પૂરું પાડ્યું હતું. શંકર પેન્ટરની ‘ઠાકરથાળી’ કવિતા એ કૂળની છે. ગુજરાતમાં વારંવાર દુષ્કાળની આવનજાવન ચાલી પણ કવિતા ભેગી કરીએ તો ? ઠાકરોને દુષ્કાળની વાનગી કેમ ફાવે ?
‘ભીંડા, રીંગણ, તૂરિયા, એવું ય નથી કોઈ શાક,
મરચું વાટ્યું મોહના ! કોઈ કરતો ના કકળાટ,
ખારા પાણીથી બાંધ્યો લોટ, ચારણીમાં ચાળી ;
આવો દૂકાળીયાના દેશ જમવા ઠાકર થાળી !’
આધુનિકતાના ગાળામાં પ્રિયકાન્ત મણિયારે ‘એ લોકો’ શીર્ષકની કવિતામાં મૂડીવાદી શોષણ નીતિને કાવ્યરૂપ આપ્યું હતું. ત્યારપછી મૂડીવાદી અર્થનીતિએ બચવા માટે ધર્મકેન્દ્રિત રાજનીતિની દિશામાં, ફાસીવાદી દિશામાં ગતિ કરી છે. શંકર પેન્ટર ‘એ લોકો’ શીર્ષકની કવિતામાં આ ફાસીવાદને આલેખે છે. લઘુમતીઓને ‘હાથા’ બનાવતી રાજનીતિને ઉઘાડી પાડે છે.
‘ગામના રામમંદિરમાં
એ લોકો
તને તેનો ઓટલોય
ચઢવા દેતા નથી,
પાંહેય્ ઢૂંકવાય દેતા નથી ! તારા પડછાયાના ભયથી.
જયારે
અયોધ્યા માટે અથડાવી દેવા
તારા માથે કેશરીયાં કફન બાંધે છે ! અદકેરા વ્હાલથી.
ગામ કૂવાના થાળા પરથી
એ લોકો
તને ટીંપુ પાણી પણ કાઢવા દેતાં નથી
જયારે
રામશીલા ને ગંગાજળની બાટલીઓ બઝાડી
પૂજન કરાવી
તારી પાસેથી પૈસા પડાવે છે !’
રાજનીતિને કવિતાના કેન્દ્રમાં મૂકવાનું સાહસ જ કોઈ કરતા નથી. અનામત આંદોલન, કોમી દંગલો આવે ને જાય. કવિતા તો પ્રેમની જ થાય, પુષ્પોની, પંખીની થાય. ગળચટ્ટી પીપરમેન્ટની જેમ ચગળ્યા કરવાની. ‘ઓ તમારી બુનના ધણીઓ...’ કાવ્યનો ચિત્કાર તો ગુજરાતની શાંતિપ્રિય જનતાનું સર્જન છે, શંકર પેન્ટરનું નહીં.
‘અલ્યા શઉકારો,
એક તો તમારું શેતર શેઢું
બળધીયું મર ઈનય તોંણું
કોહ ફાટ્ટ તાંણ થીંગડં મારૂં
તમોરી બાયડીની સપાટો અને જોડા હાંધુ !
દાડીયો થઈનેય્ તમન દોંણા ભેળા કરૂં
હારૂં લગાડવા ઈમણીમય
તમારી ભૈંઠ વગરની વાતમાં
હી... હી... હી... કરૂં
હોમા આવો એટલ્ અવળો ફરીને આઘો ખહું
તમનઅ્ માશો બમણેલાનય્ ઘણા માંનથી બોલાવું
પાસો
તમારાથી બીયઈનઅ્ મ્હાંય મૂતરી જઉં !
મારા ભઈલાંનો એક નંબરનો દશમન થૈ
માંયલી વાતો તમનઅ્ પરોણે આલી જઉં !
તોય પેલા દાડે
મુંયે કદીય ના ભાળેલી અનોમત
- એ તો કાળી-ગોરી, જાડી-પાતળી, લોંબી ટૂંકી
ખબર નહી
એવી અજબગજબની અનોમતો હળગાવવા / હટાવવા
તમારા વકરી જેલા વાંદરોં નઅ્
ફૂલવાડામાં મોકલતઅ્
તમન્ લગીરેય્ શરમ નાયી
ભઠ્ઠ પડ્યો ‘લ્યા,
તમારી બુનના ધણીઓ તમોનઅ્ !’
એમનો આ સાટી નાખતો કટાક્ષ સર્વત્ર ફરી વળે છે. ‘વીરા મારા વ્હાઈટ કાૅલર વાળા.’ કાવ્યમાં, લોકઢાળમાં પ્રત્યેક સમાધાનકારીને લપેટમાં લીધા છે. ક્રાંતિની વાત કરનારાઓ ક્યારેક સામાજિક દુર્વ્યવહાર પરત્વે આંખ આડા કાન કરે છે એમની ખબર લીધી છે. ભણેલા ગણેલાઓ મને દગો દીધો છે એવી આંબેડકરી અનુભૂતિ અહીં ઘણી રચનાઓમાં છે. તકવાદી દલિતોને ય કવિએ છોડ્યા નથી. કેવળ પ્રમોશન માટે જ ‘કાસ્ટ સર્ટીફિકેટ’ને જાળવી રાખતા, બાકી પોતાના સમાજથી સિફતપૂર્વક અંતર જાળવનારાઓને ‘મહાવરો’ કાવ્યમાં ફટકાર્યા છે. દલિત કવિતાની આ નિમર્મ ચિકિત્સા છે. ‘પૂનાકરારી પૂતળું’ પણ આવી શિખંડી નેતાગીરીને તાકે છે. દલિતોનું દલિત નેતાઓ દ્વારા, મુસ્લિમોનું મુસ્લિમ નેતાઓ દ્વારા, આદિવાસીઓનું આદિવાસી નેતાઓ દ્વારા શોષણ કરાવતી તંત્રભાત આ કવિ જાણી ગયો છે. અનામતનો વ્યાપ વધતાં પોતે ક્યારેય વેઠ્યું નથી એવા સમાજો લાભ ખાટ પૂરતા ‘યાદીઓ’માં ઉમેરાતા ગયા એની સામેનો લોકરણકો ‘હાચ્ચે હાચ્ચું બોલનઅ્ ફાડ્યા ?’ કવિતામાં પ્રગટ થયો છે. જેમને અનામત મળતી હતી એમને શું વેઠ્યું છે એની, છતાં એ કેવું ચેતનવંતુ જીવ્યા છે એનું સરવૈયું પણ સાથે સાથે આ કવિતામાં મળે છે. આ કાવ્ય સંગ્રહનું શીર્ષક પણ ‘હાચ્ચે હાચ્ચું બોલનઅ્ ફાડ્યા ?’ છે. આ બદલાયેલા માહોલ ઋષિના નાળચામાં જીવતા રહી ગયેલા અશ્વત્થામાની જેમ - સવર્ણ માનસિકતા ખૂણેખાંચરે તો પડી જ છે. હવે એમને ‘બીસાં’ કહેવામાં આવે છે ! કવિએ ‘સુધરેલી અસ્પૃશ્યતા’માં આ સ્થિતિ વર્ણવી છે.
‘રાજકારણની ચરમસીમાએ ચૂંટાયેલો અનામતીયો નેતા
આ સુધરેલી અસ્પૃશ્યતાનો ભોગ
તેના મત વિસ્તારમાંજ બનતો આવ્યો છે.
ગજવામાં ગ્લાસ ઘાલીને !
વાળ કપાવવા નજીકના શહેરે જઈને !
પછી
છેક છેવાડે
છાણમાટીના ખોરડામાં રહેતા
કાળા કુબડા મહેનતકશ માનવી પર તો
શું શું નહીં વીતતું હોય !’
આથી જ દલિતો વચાળેના દલિતો સાથે એકતા ઝંખે છે. ‘તું અને હું’ કવિતા એનું ઉદાહરણ છે. બીજી તરફ સવાયા બ્રાહ્મણવાદી બનેલા સામે પુણ્યપ્રકોપ પણ ઠાલવે છે. ‘પેટભરુ પાડ્ડાઓ’ ‘દલિત સાહિત્યના ઈજારેદારો’એ પ્રકારની કવિતાના ઉદાહરણ છે. આ રીતે આ સંગ્રહની કવિતાઓ અનેક દિશામાં સંકેત કરે છે. અહીં નર્યો સૂત્રોચ્ચાર પણ છે જે ર્ઁજંીિ ર્ઁીંિઅનું ઉદાહરણ છે તો ‘વિજયસવારી’ જેવી ઁીર્કિદ્બૈિહખ્ત ર્ઁીંર્િઅ પણ છે. લોકઢાળો, સોરઠાથી માંડી લોકપ્રિય ફિલ્મીધૂનોનો પણ આ કવિતાએ લોકભોગ્ય બનવા ઉપયોગ કર્યો છે. જેમકે દલિત સાહિત્યના ઈજારેદારોમાં કવિ ગંગના છંદોવિધાનનો વિનિયોગ છે તો ‘અબના રહેના ચૂપ’માં ઝૂમ બરાબર ઝૂમ શરાબી જેવું ફિલ્મીગીત ઢાળ માટે પસંદ કરાયું છે. ભાષાના ભેદભાવ પણ કવિએ ટાળીને ‘ઉન મસિહા કો મેરા સલામ’, ‘દો લલકાર મેરે યારો’, ‘હમ બલિદાન સે નહીં ડરેંગે’, ‘ભીમ કો સર્મિપત’ જેવી કવિતા હિન્દીમાં લખી છે. આ કવિતાનો સમૂહજન્ય પ્રભાવ એની છપાઈની ર્ઝઙ્મઙ્ઘ ૅૈિહંમાં નહીં પકડાય. જેમ શેરીનાટક અને મંચના નાટક વચ્ચેનો ફરક છે તેવો આ સંગ્રહની કેટલીક કવિતાઓ માટે કરવો પડે. આ અર્થમાં ગુજરાતની લોકપ્રિય કવિતા ‘આંધળી માનો કાગળ’નો લય પણ પોતાની કવિતામાં ખપમાં લે છે.
કવિની ઉદ્રેકશીલતા એટલી છે કે કવિતા જીભેથી (વાચા) નહીં ગળું ફાડીને બહાર નીકળવા તલપાપડ હોય છે. ઝનૂનપૂર્વક, લોકબોલીમાં સંવેદનને મૂકે છે તેથી કાવ્યકળાના એકાધિક પેંતરાથી દૂર એવી આ હોવા છતાં આ કવિતા હૃદયસ્પર્શી બની જાય છે. એની પ્રભાવકતા કવિના અદમ્ય ઉદ્રેકમાં સમાયેલી છે. એક ઉદાહરણ જુઓ;
‘ચ્યમ્ ’લ્યા આટલું ફાટ્ટી જયું સ્ ?
મારા હોમું હેંડત્ હાળા
લગીરય્ તન્ બીક ના લાજજી !
પુછજે તારા વાહમાં જઈને
કુણ સુ તનઅ્ કેહ એતો
લેંબડે બાંધી બાપનઅ્ તારા
ઘોકે ઘોકે દ્યદ્યડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
તાંણ ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈને છાસ લેવા
આવજે હવ્ ગાૅંમમાં દિયોર્
હાદ પડાવું આંયથી જઈને
બંધ કરી દો દાડીયાઓન્
પોલીસ-પટ્ટોલ્ સરપંચ મારો
તલાટી ન મંતરીય્ મારો
ગોંમનો આખોય્ ચાૅરો મારો
તાલુકાનો ફોજદાર મારો
જોઈ લે આખ્ખો જીલ્લો મારો
મોટ્ટામાં મોટ્ટો પરધોન મારો
દિલ્લી હુદી વટ્ટ અમારો !
કુણ સ્ તારૂં ? કુણ સ તારૂં ?
ધારૂં તો ’લ્યા ઠેર્ર્ મારૂં
ચ્યમ્ ’લ્યા આટલું ફાટ્ટી જયુંસ્ ?
મારા હોંમું હેંડતઅ્ હાળા
લગીરય્ તન્ બીક ના લાજજી !’
એના પ્રતિરોધની ભાષા પણ આવી જ બળકટ છે.
‘બહું થયું ’લ્યા, બહું થયું ’લ્યા, તું શું મારે ઠેર્ અમોને !
હવે બકવા’ બેટા બંધ કરી દો !
આ લૂલ્લી તારી ચૂપ કરી દ્યો !
એન્ટીના જેવી ચોટ્ટીવાળા,
અષ્ટમ્ પષ્ટમ્ ભસવાવાળા,
ગોળા જેવી ફાંદવાળા,
ખૂન પસીનો ચૂસવાવાળા,
પૂંછ જેવી મૂછવાળા
ટીલાં ટપકાં લ્હાળાવાળા,
હવે બકવા’ બેટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દો
શક-હૂણોને કૂષાણોથી
ધોતીયામાં ‘લ્યા મૂતરી જયા’તા !
તૈમુર અન્ તઘ્લઘ્ આયા
તાંણ ઘાઘરામાં ચ્યમ્ લપઈ જયા’તા !
રૂદ્રદત્ત જેવા કાપાલિક બ્રાહ્મણો
હાથઝાલી સોમનાથ મંદિર લૂંટાવતા’તા !
અકબર જેવા વિધર્મીઓ
બૂન ન સોડી પૈણી જયા’તા !
અલ્લાઉદ્ીન ખીલજી જેવા
રૂદ્ર-મહાલયો તોડી જયા’તા !
પેલા ઓરંગઝેબના દાબથી દિયોર
તમે, ઊભા ન્ ઊભા હજજી જયા’તા !
હવે બકવા’ બેટા બંધ કરી દો !
લૂલ્લી તમારી ચૂપ કરી દો !’
સ્ટ્ઠંીૈિટ્ઠઙ્મ જઙ્મેદ્બમાં રહેવા વાળો સ્ીહંટ્ઠઙ્મ જઙ્મેદ્બમાં નથી રહેતો હવે એ ઈતિહાસ જાણી ચૂક્યો છે. તેથી હવે પ્રતિરોધ શરૂ થયો છે. બધા જ પ્રતીકો તોડવા છે. આ પ્રતીકો સર્જનાર ધર્મસત્તાને પણ પડકારવી છે. તેથી જ કવિ કહે છે -
‘તોડ ચપણિયા ‘ચા’ના ભઈલા, હાથ હવે ના જોડ
માંગે ભીખ ના હક્ક મળે, ઈતિહાસ હવે મરોડ
થુવેરીયા કે ઝાડ બખોલે ફૂટી રકાબી લટકે
ગામે ગામે હાલત સરખી આગ ભીતરમાં ભડકે’
‘લાલબુજકક્ડ’માં
‘આતમ ને પરમાતમ કેરી
ભ્રમિત વાતો મેલ ભગતડા.
વાદ વિવાદે શબ્દ સાખીએ
તંબુરાના તાર તૂટ્યા ’લ્યા
મંજીરા ને કાંસીજોડા
નરઘાં ફૂટ્યા કૂટી કૂટી ’લ્યા
લાલબુજક્કડ્ વાતો ફક્કડ્
જ્ઞાની કેરો ડોળ બતાવી
ભોળાજનને ભરમાવવાને
કપોળ કલ્પિત દંતકથાઓ
રોચક, યથાર્થ, ભયંકર વાણી
આખ્યાનોમાં સુંદર ઢાળી
ચોખ્ખા ઘી નો શીરો ઉડાવે !
પડ્યો પડ્યો પગચંપી કરાવે
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રમાં
જુદા આત્માને પરમાત્મા ?
જે ધર્મોએ દૂર હડસેલ્યા
તેની જ તેં ભાટાઈ કરી ’લ્યા !’
ક્યાંક ‘સંસ્કારી’ માનસને આઘાત આપતી રચના છે. ઊજળિયાતના ‘પ્રાઈવેટ દવાખાનાનો છૂપો સંવાદ’ એનું ઉદાહરણ છે. સવર્ણના માટલામાંથી પાણી એઠું કરવા અને એમાં થૂંકવા કાવ્યનાયક પોતાના સાથીને કહે છે ! આવો આઘાત આપનારી ચેષ્ઠા પણ અસહ્ય યાતનાના પ્રતિરોધનું જ પરિણામ હું લેખું છું.
શંકર પેન્ટર માત્ર કવિતા જ નથી કરતા કર્મશીલ પણ છે. દલિત સર્જક પાસે એમની એ અપેક્ષા પણ છે. તેથી અંતે ‘વિચારીએ’ કવિતાનો વ્યંગ પણ સહેવો પડશે.
‘કશુંય કરવું નથી માટે
ફક્ત આત્મપ્રવંચના અર્થે
બસ
કવિતા જ કરશું !’
શંકર પેન્ટરને આપણે કહીએ કે તમારા કર્મશીલપણાથી અજાણ પણ તમારી કવિતાથી પણ આત્મખોજ કરવા પ્રેરાય એવી તાકાત ધરાવે છે. પછી વાચક ભલે કહેવાતો સવર્ણ હોય કે દલિત હોય. જલદી નહીં ભૂંસાય એવા સશક્ત દલિત કવિ તરીકે શંકર પેન્ટરનું સ્વાગત હો.
ડો.ભરત મહેતા
રીડર (ગુજરાતી વિભાગ)
ફેકલ્ટી ઓફ આર્ટ.
એમ.એસ.યુનિર્વિસટી, વડોદરા.