Friday, March 27, 2015

જોસેફ દાદાનાં ફૂલેકા












પ્રિય શંકર,
તારા ગીતો ઘેરા અવાજે લાગણી અંધોળીને ગવાશે તો તારી આશા અપેક્ષાઓ ફળશે. મારા અભિવાદન તારી સાથે જ છે. તારા ગીતોને ઝાઝા બોલની જરૂર જ નથી. સ્વયં ગીતો જ એનું હાર્દ કહી દેશે.
દલિત કવિતા સાહિત્યમાં ગેયગીતો આમેય ઓછા. જયાં વેઠ વૈતરાં વેંઢારવાના હોય અને નકરી વેદના જ વહેવાની હોય ત્યાં હૈડાંમાંથી ગીતનો ઉમંગ તોે નાદ પ્રગટે જ ક્યાંથી ? પણ દલિત જનજાગરણ માટે બાબાના ક્રાંતિરથને ગામે ગામ પહોંચાડવા કાજે અને લોક હૈયાંના અગમ ઉંડાણોમાં ખાબકવા માટે ધૃબાંગતા ઢોલની થાપે જો ગમતીલાં ગીતોનો સૂર મળે તો સમગ્ર વાતાવરણ એક મારગું હાલક્ ડોલક્ થઈ ગાજી ઊઠે ! લોક હૈયડાં કાન માંડવા અધીરા બની જાય અને એમાંય વેદનાનો વિહાગરાગ મ્હોરી ઉઠે તો સૂણનારાઓના રોમેરોમ ઝણહણી ઉઠે ને ધણધણી ઉઠે !
કેટલાંય વરસો પહેલાં સારંગપુર (અમદાવાદ)માં આંબેડકર જયંતિના ભર બપોરે બાબાની પ્રતિમાની પડખે ભાઈ શંકર પેન્ટરના રચના સંગ્રહ ‘બૂંગિયો વાગે’ના ગીતો એના જ કંઠે સાંભળવાનો લ્હાવોે મળેલો ! એ આજેય વિસર્યો વિસરાતો નથી.
ભાઈ શંકર પેન્ટર સાદો સરળ અલગારી મસ્તફકીર માણસ છે. પણ ખમીર એનું સવાયા મરદનું ! એની ભાષા સાવ સાદી, સરળ, ગામઠી અને ઘરાળુ પણ એની અભિવ્યક્તિ અભિધાના તીર જેવી ! બિહારી માટે કહેવાયેલું
‘સત્ સૈયા કે દોહરે, જો નાવક કે તીર,
દેખનમેં છોટે લગે, ઘાવ કરે ગંભીર !’
એ તંતોતંત આપણા શંકરનેય બંધ બેસે છે.
‘શંકર કેરા ગીતડાં, વાંચ્યે સાવ સપાટ,
કાળજડાં કોરી રહે સુણ્યે નાદ ન ઘાટ !’
જમાનો હવે ઈન્ફોટેકનો આવ્યો. મીડીયા આખોય મૂડીપતિઓનો અને મનુવાદીઓનો. બાબાએ રચેલાં બંધારણને બદલવાના બ્રાહ્મણવાદી પેંતરાં-પ્રપંચ માઝા મેલી રહ્યા છે. આવે ટાણે બાબાએ જિંદગી આખી સંઘર્ષીને જે શીખ-સૂત્ર બક્ષ્યું છે એને ચરિતાર્થ કરવાની પ્રતિબધ્ધતા દલિત કવિઓએ સાર્થક કરી બતાવવી પડશે.
શંકર પેન્ટરના ગીતો આ યુગની માંગ પૂરી પાડે છે. એનો હરખ્ અદકો છે ! આ ગીતો ગામે ગામ, શહેર શહેર ક્રાંતિનો નાદ નારો ગજવે અને હજીએ ઘેરી ઘારણમા ઘોરતી આપણી દલિત પ્રજાએ સાચો સાદ સાંભળીને સામે હોંકારાનો વિધાયક પ્રતિસાદ દેવા સાબદી બની જાય એવી અપેક્ષા સાથે મિત્ર શંકર પેન્ટરના આ ગીતોનાં હું ફૂલેકાં કરૂં છું.
જય ભીમ – જય ભારત !
આયુષ્યમાન બાંધવ શંકર તારો સર્વત્ર સ્વીકાર હો.

જોસેફ મેકવાન ક્રાંતિકારી સલામ

No comments:

Post a Comment